મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલન વકરતાં શાજાપુરમાં આગચંપીઃ કલમ-144 લાગુ

મંદસૌરઃ મધ્યપ્રદેશના મંદસૌરમાં ભડકેલા કિસાન આંદોલનની આગ શાજાપુરમાં પણ ફેલાતાં આગચંપીના બનાવ બાદ તંત્રએ આ વિસ્તારમાં કલમ-144 લાગુ કરી દીધી છે. દરમિયાન રાજગઢ અને અન્ય વિસ્તારમાં પણ આંદોલન ફેલાતાં અને તેમાં કેટલીક જગ્યાએ હિંસક ઘટના બનતાં મુખ્યપ્રધાન શિવરાજસિંહે કિસાનોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

મધ્યપ્રદેશના મંદસૌર અને દેવાસ બાદ હવે શાજાપુરમાં કિસાનોનું આંદોલન વકરતાં અને તેમાં હિંસક ઘટના બનતાં મુંબઈ-આગ્રા હાઈવે પર કિસાનોએ બે બાઈક અને એક ટ્રકમાં આગ લગાવી દીધી હતી તેમજ એસડીએમ પર પથ્થરમારો કર્યો હતો. તેના કારણે પોલીસને ભીડને કાબૂમાં લેવા ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી તેમજ શાજાપુરમાં કલમ-144 લાગુ કરવામાં આવી હતી તેમજ સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

શાજાપુર ઉપરાંત રાજ્યના 11 જિલ્લામાં કિસાન આંદોલન ફેલાતાં હાલ તંગદિલી જોવા મળી રહી છે. હાલ ઈન્દોર, ધાર, ઉજજૈન, મંદસૌર, નીમચ, રતલામ, ખંડવા, દેવાસ, ખરગોન, ગ્વાલિયર, હરદા અને ‌િસહોર જિલ્લામાં આંદોલન ફેલાયું છે, જેમાં ઈન્દોર-અમદાવાદ રોડ પર એક ટ્રકને આગચંપી કરવામાં આવી હતી તેમજ નીમચમાં પણ ઠેર ઠેર દેખાવકારોએ ચક્કાજામ કરી દીધો હતો. ભોપાલ-જબલપુર હાઈવે પર વાહનો રોકવામાં આવતાં આ માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. દેવાસમાં કલમ-144 લાગુ થયા બાદ આ વિસ્તારમાં આંદોલન વધુ વકરી રહ્યું છે.

http://sambhaavnews.com/

You might also like