મ.પ્ર.માં વે‌િન્ટલેટરના અભાવે ૩૬ નવજાત બાળકોનાં મોત

ભોપાલ: મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં ૩૬ નવજાત શિશુઓનાં સરકારી હોસ્પિટલના સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (એસએનસીયુ)માં મોત થયાં હતાં. એસએનસીયુના ઈન્ચાર્જ ડો. વી.ડી. સોનવાનીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં એસએનસીયુમાં કુલ ૧૯૦ બાળકોને દાખલ કરવામાં આવ્યાં હતાં, જેમાંથી ૩૬ બાળકોનાં મોત થયાં હતાં, જે બાળકોનાં મોત થયાં હતાં તેઓ ઓછું વજન ધરાવતાં અને અવિકસિત તેમજ બીમાર હતાં.

હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં ચાર વેન્ટિલેટર ઘણા સમયથી મોજૂદ છે, પરંતુ તેને ચલાવવાની કોઈને તાલીમ આપવામાં આવી નથી, જેને લઈને જરૂરતમંદ દર્દીઓ અને બીમાર તેમજ અવિકસિત નવજાત શિશુઓને વે‌િન્ટલેટરનો લાભ મળતો નથી.

આ વિભાગના આંકડાઓનો અભ્યાસ કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે અહીંના એસએનસીયુમાં ઓગસ્ટ મહિનામાં દાખલ થયેલાં કુલ બાળકોમાંથી ૧૫ ટકા બાળકો મોતને ભેટ્યાં હતાં. એ વાત મહત્ત્વપૂર્ણ છે કે એસએનસીયુમાં એક મહિનામાં ૩૬ બાળકોનાં મોત થયાં છે અને ચીફ હેલ્થ એન્ડ મેડિકલ ઓફિસર ડો. રાજેશ પાંડે તેનાથી અજાણ છે. તેમનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે ખરેખર કેટલાં બાળકોનાં મોત થયાં છે તે અંગે તેઓ તપાસ કરશે.

You might also like