કમબેક માત્ર હીરોઈનોનું જ કેમ?: માધુરી દીક્ષિત

ફિલ્મ ‘તેજાબ’ના ગીત ‘એક દો તીન…’માં માધુરીના લટકા-ઝટકા આજે પણ કોઇ ભૂલી શક્યું નથી. તેનામાં રહેલા ડાન્સિંગ હુન્નરમાંથી આજે પણ લોકો પ્રેરણા લે છે. વાત એક્ટિંગની હોય કે ડાન્સની, માધુરીનો જવાબ નથી. બોલિવૂડમાં કમબેક કર્યા બાદ તેની સફર કેવી રહી તે અંગે વાત કરતાં તે કહે છે કે મારું કમબેક સુંદર રહ્યું. હું લકી છું કે ઘણા બધા લોકો મારી સાથે કામ કરવા તૈયાર થયા, કેમ કે તેઓ મારી અભિનય યાત્રાના સાક્ષી હતા. કામને લઇને મારી ઇમાનદારી અને મારા કામની ક્વોલિટીમાં તેમને શંકા ન હતી. મેં ક્યારેય કામ સાથે બાંધછોડ કરી નથી. લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો અને મારી સાથે જોડાયા તે વાતની મને ખુશી છે.

દાયકો વીતી ગયો છતાં પણ બોલિવૂડમાં હજુ પણ માધુરી જેવી કોઇ ડાન્સર આવી નથી. માધુરી ખરેખર ડાન્સિંગ ક્વીન ગણાય છે. તે કહે છે કે મેં ડાન્સને ક્યારેય પણ સપોર્ટની જેમ લીધો નથી. મારા માટે ડાન્સ હંમેશાં એક પેશન રહ્યો છે અને આજીવન રહેશે. બોલિવૂડમાં એક દાયકા બાદ પરત ફરવું માધુરી માટે એટલું અઘરું ન હતું, પરંતુ તે કહે છે કે ચાર વર્ષમાં એક જ ફિલ્મ કરનાર હીરોને ક્યારેય કોઇ સવાલ પુછાતો નથી. તેને તો ક્યારેય કોઇ કમબેક કહેતું નથી તો આ શબ્દનો ઉપયોગ માત્ર અભિનેત્રીઓ માટે જ શા માટે? •

You might also like