‘ફેશન’ ફિલ્મ બાદ પ્રિયંકા ચોપરાના ઈંતેજારમાં મધુર ભંડારકર

પ્રિયંકા ચોપરાની સૌથી હિટ અને સૌથી વધુ પસંદ કરાયેલી ફિલ્મોમાં ‘ફેશન’નું નામ મુખ્ય છે. ‘ફેશન’એ માત્ર બોક્સ ઓફિસ પર જ સારી કમાણી ન કરી, પરંતુ ફિલ્મ વિશ્લેષકોએ પણ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી એટલું જ નહીં, ફિલ્મમાં પોતાના દમદાર અભિનય માટે પ્રિયંકા અને બીજી અભિનેત્રી કંગના રાણાવતને બેસ્ટ એક્ટ્રેસ તેમજ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

આ ફિલ્મનું નિર્દેશન મધુર ભંડારકરે કર્યું હતું. તેમની પણ ચારે બાજુ પ્રશંસા થઇ હતી. ‘ફેશન’ની સફળતા બાદ દરેક મોટો સ્ટાર મધુર સાથે ફિલ્મ કરવા તૈયાર રહેતો. ત્યાર બાદ કરીના સાથે મધુરની ફિલ્મ ‘હીરોઇન’ આવી.

તેમને લાગ્યું કે આ ફિલ્મ પણ ‘ફેશન’ની જેમ બધાંને પસંદ પડશે પણ હકીકતમાં એવું ન થયું. ત્યાર બાદ મધુર ભંડારકરની ‘જેલ’, ‘દિલ તો બચ્ચા હૈ જી’, ‘કેલેન્ડર ગર્લ’ અને ‘ઇન્દુ સરકાર’ એટલી ન ચાલી.

હવે સાંભળવા મળ્યું છે કે મધુર પ્રિયંકાનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ વાત સેટ થતી નથી. હવે જોવાનું એ છે કે પ્રિયંકા સાથે ફિલ્મ બનાવવાની મધુરની રાહ પૂરી થાય છે કે નહીં? પ્રિયંકા હાલમાં નિક જોન્સ સાથે લગ્ન કરીને ઘર વસાવવાની તૈયારીમાં છે ત્યારે આ વાત શક્ય લાગતી નથી.

પ્રિયંકાની ફિલ્મોની વાત કરીએ તો તે હોલિવૂડની બે ફિલ્મો ‘અ કિડ લાઇક જેક’ અને ‘ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’ ઉપરાંત નિર્દેશિકા સોનાલી બોઝની હિંદી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં કામ કરી રહી છે. •

You might also like