મચ્છુ જળ પ્રલયને 37 વર્ષ પૂર્ણ, ફરી વિકાસની કેડીએ દોડતું પણ થઇ ગયું મોરબી

મોરબી: આજથી 37 વર્ષ પહેલા મોરબી શહેરને મચ્છુ જળ હોનારતનો સામનો કરવો પડ્યો હતો. મોરબી શહેરને મચ્છુ જળ હોનારતે વેરાન કરી મુક્યું હતું વધુ પડતા વરસાદ ના કારણે મોરબીના મચ્છુ ડેમનો પાળો તૂટી ગયો હતો અને ડેમનું પાણી મોરબી શહેરમાં ફરી વળ્યું હતું પાણીનો પ્રવાહ એટલો હતો કે લોકોને તે સમયે જીવ બચાવવો પણ મુશ્કેલ બની ગયું હતું. મોટી સંખ્યામાં લોકોએ મચ્છુની આ ગોજારી હોનારતમાં જીવ ગુમાવ્યા હતા તે વાતને યાદ કરતા આજે પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે. મોરબીના મચ્છુ હોનારતને આજે 11 ઓગસ્ટે 37 વર્ષ પૂરા થઇ રહ્યા છે. મોરબીના મચ્છુ ડેમની હોનારત આજે પણ સાક્ષીઓના નજરે તરી રહી છે.

જળ હોનારત અંગે વિગતથી વાત જોઇએ તો મૂશળધાર વરસાદથી મચ્છુ નદીમાં વિદ્યુતવેગી પૂર આવ્યા અને તેના પરિણામે ૧૧/૮/૧૯૭૯ના રોજ મચ્છુી-ર બંધ તૂટી પડયો અને અભૂતપૂર્વ જળ હોનારત સર્જાઇ. મોરબી શહેર ઉપરાંત મોરબી-માળીયા તાલુકાનાં ૬૮ ગામડાઓની ૧,પ3,000ની વસતિને ભારે અસર પહોંચી. મોરબી શહેરમાં આંધી ઉભી થઇ ગઇ હતી. આ ભયાનક હોનારત થતાં મોટી સંખ્યામાં માણસોએ જાન ગુમાવ્યા ,પશુધનનો વિનાશ થયો, પાકને પારાવાર નુકશાન થયુ, પાણી પુરવઠાની અને વીજળી તથા ટેલીફોન વ્યાવસ્થાન તૂટી પડી. આ પ્રંચડ અને ભયંકર જળ હોનારતનાં બનાવ ને આજે ૩૭ વર્ષ પૂરા થયા છે. તે સમયની કુદરતની ક્રૂરતાની તસવીરો જોઇ આજે પણ લોકોની આંખોમાંથી આંસુ આવી જાય છે.

ડેમ મોરબી ના જોધપર ગામ પાસે મોરબી શહેરથી આઠ કિલોમીટર દૂર આવેલ છે. સને ૧૯૭૯ ના ૧૦ અને ૧૧ ઓગસ્ટના દિવસે સ્ત્રાવ ક્ષેત્રમાં અસાધારણ વરસાદનાં કારણે નિર્ધારિત ડીઝાઇનની ક્ષમતા કરતા ઘણુ વધારે પુર આવવાનાં કારણે તા.૧૧-૮-૧૯૭૯ ના રોજ માટીબંધ ઉપરથી પાણી વહેતા પાકા ડેમનાં માટીબંધમાં ભંગાણ પડેલું. સતત વધતી પાણીની આવક ન સમાવી શકતા ડેમ તૂટ્યો અને 3.30 કલાકની આસપાસ તો મોતના તાંડવે આખા શહેરને બાનમાં લઇ લીધું હતું.

શહેરમાં જળની સપાટી વધવા લાગી, જીવ બચાવવા પણ ક્યાં જવું? એ મોટો સવાલ! માત્ર બે જ કલાકમાં તો મકાનો અને ઇમારતો જમીનદોસ્ત બનવા લાગી. હજારો માનવ જિંદગીઓ કંઇ સમજે તે પહેલાં તો પાણીમાં તણાઇને ક્યાંય પહોંચી ગઇ. સૌથી વધારે ભોગ અબોલ જીવોનો લેવાયો. જે બચી ગયા એ લાચાર આંખે પોતાના પરિવારજનોને, મિલકતને તણાતા જોવા સિવાય કશું કરવા અસમર્થ હતા. કોણે શું ગુમાવ્યું એનો હિસાબ તો શક્ય જ ન હતો. બસ વધી હતી લાચારી, બેબસી અને અસહાયતા. ત્રણ જ કલાકમાં આ ખેલ પૂરો થઇ ગયો અને તેની ભૂતાવળ સમી યાદગીરી કાયમી બની ગઇ. આજે એ ઘટનાને સાડા ત્રણ દસકા વીતી ગયા તેમ છતાં પોતાના સ્વજનોને ખોઇ બેસનારા લોકોની આંખો આજે પણ એ ઘટનાની યાદમાં સજળ બની જાય છે.

11 ઓગસ્ટ, 1979નો એ દિવસ. બપોરનો 3.15 કલાકનો સમય અને સમાચાર વહેતા થયા કે ત્રણ ત્રણ દિવસથી વરસતો વરસાદ અને ઉપરવાસથી થતી પાણીની જંગી આવકથી મચ્છુ-2 ડેમ તૂટ્યો અને લોકો જીવ બચાવવા કંઇ વિચારે કે પગલાં ભરે એની તક પણ પાણીએ ન આપી. ધસમસતા આવતા મચ્છુના નીરે મોરબીને ઘેરી લીધું અને શરૂ થઇ સંહાર લીલાની શરૂઆત. દર વર્ષે મોરબી આ મોતના તાંડવને યાદ કરે છે. પૂરના પાણી ઓસરી ગયા છે. પરંતુ હૃદયમાં કોતરાયેલા ઘાવ નથી રૂઝાયા. મોરબી ફરી બેઠું થઇ ગયું અને વિકાસની કેડીએ દોડતું પણ થઇ ગયું. પરંતુ કાળની થપાટે જેમના પરિવારજનો કે સર્વસ્વ છીનવ્યું છે તેમની પીડાને કલાકો, દિવસો કે વરસો મલમ નથી લગાવી શક્યા.

You might also like