મા લક્ષ્મીજીનું પ્રિય આસન: કમળ પુષ્પ

‘જેની નાળ જળમાં હોવા છતાં કોશો દૂર જેની સુવાસ પ્રસરી છે, જેનો દંડ મૃદુ નથી. પણ મુખ અતિ કોમળ છે, મિત્રોમાં જેનો વિશ્વાસ છે; પહેલેથી જ જેને ગુણ સંગ્રહનું વ્યસન છે અને દોષો માટે જેને દ્વેષ છે એવા પાણીમાં જન્મેલા કમળમાં લક્ષ્મીનો વાસ છે, તે યુક્ત જ છે.’
ભારતીય સંસ્કૃતિનાં વિભિન્ન પ્રતીકોમાં કમળ સૌથી અગ્રસ્થાને છે. ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ વિચારધારા અને અનુપમ જીવન શ્રેણીનો સુભગ સમન્વય કમળમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ એટલે જ કમળ એમ કહેવું અનુચિત ગણાશે નહિ. ભગવાન વિષ્ણુના હાથમાં કમળ જોઇને સંત જ્ઞાનેશ્વરે અતિ મધુર કલ્પના કરી છે કે, પ્રભુ, આ કમળથી ખરા જ્ઞાની ભક્તની પૂજા કરવાથી અભિલાષા સેવે છે. ભક્ત ભગવાનની પૂજા કરે એ તો સહજ અને સ્વાભાવિક ઘટના ગણાય. પરંતુ ભગવાનને ભક્તની પૂજા કરવાનું મન થાય એમાં જીવનની કૃતકૃત્યતા રહેલી છે. ભગવાનના હાથમાંનું એ કમળ આપણને પ્રાપ્ત થાય એ કલ્પના અતિશય રમ્ય, મધુર અને આકર્ષક લાગે છે, પરંતુ સુંદરતાને પામતા પહેલાં સુંદર બનવું પડે તેમ કમલવત્ જીવન જીવનારને જ તે કમળ પ્રાપ્ત થાય.જલકમલવત્ સંસારમાં રહેવાની કલા કમળ પાસેથી શીખવા જેવી છે. કરીને પણ ન કરવાનો કીમિયો એ ગીતાની અકર્મણ્યાવસ્થાની પરાકાષ્ઠા છે.
એક પૌરાણિક દંતકથા છે કે, દુર્વાસાને ભોજન કરાવવા જતી ગોપીઓનો માર્ગ પૂરથી ઊભરાતી યમુનાએ રોક્યો; ગોપીઓએ કૃષ્ણને વિનંતી કરી. કૃષ્ણે કહ્યું, યમુનાના કિનારે ઊભા રહીને કહો કે, જો કૃષ્ણ બ્રહ્મચારી હોય તો નદી અમને માર્ગ આપે. નદીએ માર્ગ આપ્યો. દુર્વાસાને આકંઠ ભોજન કરાવી પાછા વળતાં ગોપીઓને તે જ અગવડ આવી. દુર્વાસાએ કહ્યું, નદીને કહો કે જો દુર્વાસા સાવ ભૂખ્યા હોય તો અમને માર્ગ આપ. નદીએ તરત માર્ગ કરી આપ્યો. રમીને પણ ન રમનાર કૃષ્ણ, જમીને પણ ન જમનાર દુર્વાસા આપણને સંસારમાં જલકમવલત્ રહેવાનું શિક્ષણ પોતાના જીવન દ્વારા આપે છે. કાદવમાં કમળનું સર્જન કરીને પ્રભુએ આપણને પરિસ્થિતિ નિરપેક્ષ જીવન જીવવાની પ્રેરણાનું અનોખું દર્શન કરાવ્યું છે. પોતાની આસપાસ કાદવ પથરાયેલો પડ્યો છે, એ વાત પર રડતાં ન બેસતાં કમળ પોતાનો વિકાસ સાધી લે છે. કમળની દૃષ્ટિ હંમેશાં ઉપર હોય છે. સૂર્ય તરફ જોઇને તે પોતાનું જીવન ખિલાવે છે. સૂર્ય પ્રકાશ એ જ કમળનું જીવન છે. સૂર્યોદયે ખીલવું અને સૂર્યાસ્ત સમયે બિડાઇ જવું- આ કેવી અનોખી સૂર્ય‌ભક્તિ ! આપણા જીવનમાં પણ જો આવી અનન્ય ઇશભક્તિ હોય તોગમે તેવા કલુષિત વાતાવરણમાં પણ આપણે આપણો યથોચિત વિકાસ સાધી શકીએ.માનવ પરિસ્થિતિ- પરવશ કે સંજોગોનો ગુલામ છે એ નિરાશામૂલક વિચારધારા ભારતીય સંસ્કૃતિને માન્ય નથી. સંજોગોવશાત્, પરિસ્થિતિવશાત્, ખરાબ વાતાવરણમાં જન્મ થયો હોય પણ માનવ જો પોતાનું ધ્યેય ઊંચું અને દૃષ્ટિ ઉન્નત રાખે તો તે માંગલ્ય તરફ જઇ શકે છે, એવી ભારતીય સંસ્કૃતિની ધારણા છે. કાદવમાં રહીને પણ ઊર્ધ્વ દૃષ્ટિ રાખી સૂર્યોપાસના કરનાર કમળ આ વાતનું કેવું સરસ સૂચન કરે છે. અંધકારમાં ઉછરેલો માનવ પણ પ્રકાશને પામી શકે એ વાતની પ્રતીતિ કમળ સિવાય બીજું કોણ આપી શકે ?
કમળ શતદલ કે સહસ્ત્રદલ હોય છે. ભારતીય સંસ્કૃતિની અનેક પાંખડીઓ છે. વિભિન્ન
સંપ્રદાયો, જાતિઓ કે પંથોથી શોભતી આ ભારતીય સંસ્કૃતિ છે. પદ્મપરાગ પર
આકૃષ્ટ થઇને જેમ ભ્રમરો જેમ તેની પાસે આવે છે તેમ
વેદોના જ્ઞાનપરાગથી આકૃષ્ટ થઇને વિશ્વભરના માનવ ભ્રમરો ભારતીય સંસ્કૃતિની આસપાસ વિચરે છે. આ સંસ્કૃતિનું અમૃતપાન કરનારા નરવીરો, વિશ્વના ખૂણે ખૂણે તેનું મહિમા ગાન કરતાં થાકતા નથી •
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like