મા ખોડિયારનું પાવન ધામઃ માટેલ

પશ્ચિમ રેલવેની વાંકાનેર નવલખી લાઇન પર વાંકાનેરથી આઠ કિમી દૂર અને મોરબીથી ૧૨ કિમી દૂર ઢૂવા રેલવે સ્ટેશન છે. ઢૂવાથી પૂર્વ દિશામાં આશરે ચાર કિમી દૂર માટેલ ગામ છે. વાંકાનેરથી દરરોજ સવારે એક બસ માટેલ જાય છે. મોરબીથી પણ દરરોજ સવારે એક બસ માટેલ જાય છે. તે ઉપરાંત વાંકાનેર તથા મોરબીથી રિક્ષાઓ તેમજ અન્ય વાહન માટેલ જવા ખૂબ સરળતાથી મળે છે. યાત્રાળુઓને રહેવા માટે મંદિરમાં જ બે માળની સ્વચ્છ સુઘડ ધર્મશાળા છે. માટેલ નાનકડું ગામ છે. તેની નજીક જ એક ઊંચી ટેકરી ઉપર ખોડિયાર માતાનું મંદિર છે. ટેકરીની નીચે એક ધરો છે. તેને માટેલ ગામના નામ ઉપરથી માટેલિયો ધરો કહેવાય છે. આ ખૂબ જ પવિત્ર ધરો છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાનું સોનાનું મંદિર છે. આ ધરામાં એક મગરી રહે છે. ધરામાંથી
ક્યારેક ક્યારેક તે બહાર નીકળીને ભાવિકોને દર્શન દે છે. આ ધરો કેટલો ઊંડો છે તે જાણી શકાતું નથી. આ ધરાનું પાણી કદી સુકાતું નથી. વળી આ પાણી ખૂબ સ્વચ્છ તથા મીઠું છે.
જોકે આ ધરાનું પાણી કપડાંથી ગાળીને પીવાતું નથી. યાત્રાળુ તથા સ્થાનિક લોકો આ ધરાનું પાણી લઇ જાય છે અને ગાળ્યા વગર જ પીએ છે. આ ધરામાં માત્ર પુરુષો જ સ્નાન કરી શકે છે. સ્ત્રીઓને અહીં સ્નાન કરવાની તેમજ કપડાં ધોવાની સખત મનાઇ છે.
ધરા તથા ટેકરીની વચ્ચે રસ્તો છે. ત્યાં બસ તથા વાહનો ઊભાં રહે છે. યાત્રાળુઓ સૌપ્રથમ ધરાને કાંઠે જઇ હાથ પગ ધુએ છે. ત્યાર પછી રસ્તો પાર કરીને સામે આવેલી ટેકરી ઉપર મા ખોડિયારનાં દર્શન કરવા જાય છે. રસ્તામાં ઢોળાવ ઉપર પ્રસાદ, શ્રીફળ, અગરબત્તી, સાકર, ચૂંદડી વગેરે પૂજન અર્ચનની સામગ્રી મળે છે.
મંદિરના મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કરતાં વચ્ચે વિશાળ ચોક આવે છે. જમણી બાજુ લાંબો પાકો સભામંડપ છે. જમણી બાજુએ પ્રવેશ કરતાં જ પીવાનાં પાણીના નળ છે. થોડેક આગળ જમણી બાજુએ રસોડું છે. સામે તેમજ ડાબી બાજુએ અનેક ઓરડા ધરાવતી વિશાળ બે માળની ધર્મશાળા છે. આ ચોકની સામે જ, સહેજ ડાબી તરફ સામેના સભામંડપની નજીક, ઊંચા
ઓટલા ઉપર મા ખોડિયારનું ભવ્ય સ્થાનક છે.
અહીં લગભગ પાંચ ફૂટ ઊંચું અને ચાર ફૂટ પહોળું એક નાનું મંદિર છે. તેમાં પાંચ મૂર્તિ પાળિયા સ્વરૂપે છે. મૂર્તિઓની ડાબી બાજુએ ખોડિયાર માતાનાં મોટાં બહેન આવળ માનું સ્થાનક છે. ત્યાર પછી એક મોટો પાળિયો છે. તે ખોડિયાર માનો છે. ત્યાર પછી ત્રીજો પાળિયો હોલબાઇનો છે. ચોથો છેલ્લો પાળિયો વીજબાઇનો છે. મૂળ મંદિરમાં ખોડિયાર મા ઉપર ચાંદીનાં અનેક ઝુમ્મર છે. તેની બાજુમાં જ બીજું નાનું નવું મંદિર છે. જેમાં મા ખોડિયારની આરસની સુંદર તથા ખૂબ ભવ્ય મૂર્તિ છે, જે આરસપહાણની છે.
મૂળ મંદિરની બાજુમાં પીલુડીનું એક ખૂબ જૂનું વૃક્ષ છે. ત્યાં ખોડિયાર માની બીજી ત્રણ બહેન જોગડ, તોગડ અને સાંસઇના પાળિયા છે. ત્યાં અનેક ત્રિશૂળ, ધજા તથા ચૂંદડીઓ વગેરે છે. યાત્રાળુઓને અહીં જાતે ભોજન બનાવવાની, લાપસી બનાવવાની તથા રાંધવાનાં વાસણો વગેરેની બધી જ સગવડ મળે છે. તે ઉપરાંત સંસ્થા તરફથી ચા પાણી પણ અપાય છે.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like