સાતમે નોરતે: દેવી કાલરાત્રિ

નવરાત્રિના સાતમા દિવસે તથા સાતમી રાત્રિએ મા કાળરાત્રિનું પૂજન-અર્ચન કરવાનું શાસ્ત્રો વર્ણવે છે. મા કાળરાત્રિ એક વેલધારી ગર્દભ ઉપર બિરાજમાન છે. જેમના હાથ લાંબા, ખૂબ મોટા કાન, શરીર ઉપર હંમેશ તેલ ચોળેલું હોય છે. જેમના ડાબા પગે લોખંડની વેલ હોય છે. તેમના વાળ કાંટા જેવા અણીદાર તથા ખૂબ લાંબા હોય છે. મનુષ્યને જયારે બહુ ભય લાગે ત્યારે તેણે મા કાળરાત્રિના શરણે જવું જોઇએ. કારણ મા કાળરાત્રિ દેખાવમાં બહુ ભયંકર છે. છતાં તેના શરણે જનારને તે હંમેશાં શુભ ફળ આપે છે. જે મનુષ્યને અગ્નિનો ભય, જળનો ભય, શત્રુનો ભય, જીવ, જંતુ, પશુ, પંખી, પ્રાણીનો ભય રહેતો હોય તેવા મનુષ્યએ સહેજ પણ બેદરકારી રાખ્યા વગર મા કાળરાત્રિને શરણે અવશ્ય જવું જોઇએ. કારણ મા કાળરાત્રિ તમામ પ્રકારના ભય સામે અભય પ્રદાન કરે છે. મા કાળરાત્રિનું સ્વરૂપ વિકરાળ તથા ભય ઉપજાવે તેવું છે. તેઓના ચાર હાથ છે. જેમાંથી એક હાથમાં તેમણે ખડગ પકડેલું છે. તે ખડગને એક આંખ છે. આ ખડગ ભક્ત તથા શત્રુને તરત જ ઓળખી જાય છે. માના બીજા હાથમાં મુદ્ગર જેવું તીક્ષ્ણ હથિયાર છે, જે શત્રુના રક્ત, માંસ ખેંચી નાખીને શત્રુનો નાશ કરે છે. તેમનું શરીર તથા આકાર શ્યામકમળ (કૃષ્ણકમળ) સમાન છે. તેઓ ભયંકર અટ્ટહાસ્ય કરે છે, ત્યારે દશે દિશાઓ કાંપી ઊઠે છે. તેમનાં ધીર ગંભીર ગર્જનથી દશે દિશા ખળભળી ઊઠે છે. મા દુુર્ગાનું આ સાતમું સ્વરૂપ કાળરાત્રિ સમાન છે. તેમના ડાબા હાથનું ખડગ દૈત્યોના રુધિર, માંસથી ખરડાયેલું છે, તે જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે ભક્તોનું સદૈવ કલ્યાણ કરે છે. મા કાળરાત્રિના શરણે જઇ દરેક મનુષ્યે પોતાનું કલ્યાણ ઇચ્છવું જોઇએ.
સર્વબાધાપ્રશમને ત્રૈલોક્યસ્યાખિલેશ્વરિ ।
એવમેવ ત્વયા કાર્યમસ્મદવૈરિ વિનાશનમ્ ।।
શ્રી દુર્ગા સપ્તશતીમાં કેટલાક દિવ્ય મંત્ર આપ્યા છે, જે જુદી જુદી આધિ, વ્યાધિ, ઉપાધિમાં ઉપયોગી છે. ઉપરોક્ત મંત્રનો નિશ્ચિત જાપ કરવાથી સર્વ પ્રકારનાં કષ્ટોનું નિવારણ થાય છે.•
-શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like