નવરાત્રિનો દ્વિતીય દિવસ બ્રહ્મચારિણી માતાના પૂજનનો

728_90

નવરાત્રિ પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે.

બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે. પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી.

એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો. કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલે કે બ્રહ્મ ચારિણીના નામથી ઓળખવામાં આવે છે.

આ દિવસે સાધકો કુંડલિની શક્તિને જાગ્રત કરવા માટે પણ સાધના કરે છે. આ શક્તિ જાગ્રત થવાથી સાધકનું જીવન સફળ થઇ શકે અને એની સામે આવનારા કોઇપણ પ્રકારનાં વિઘ્નોનો સામનો આસાનીથી કરી શકે. એવી ધાર્મિક માન્યતા સાધકોમાં રહેલી છે.

મા દુર્ગાનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારુંે છે. તેમની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે અને જીવનનાં કપરા સંઘર્ષકાળ દરમ્યાન પણ તેમનું મન કર્તવ્ય પથ પરથી વિચલિત થતું નથી. માતાજીની કૃપાથી તેને સર્વ સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે.

દુર્ગા પૂજાનાં દ્વિતીય દિવસે તેમની જ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં રહેલા મનવાળો યોગી, મા બ્રહ્મચારિણીની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે.

આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમનો વિવાહ થઈ ગયો હોય પરંતુ લગ્ન થયાં ના હોય તેમને પોતાના ઘરે આમંત્રી તેમનું પૂજન કરી, તેમને જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર, વાસણ વિગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે.

માતાની પૂજા માટે લાલ રંગના કપડાં પર માતાની મૂર્તિ અથવા માતાનો ફોટો સ્થાપિત કરવો જોઈએ અને હાથમાં જળ, અક્ષત, ફૂલ લઈ માતાનું આહવાન કળશ પર કરવું જોઈએ. આહવાન પછી માતાનું પંચોપચાર પૂજન ( ધૂપ, દીપ, અક્ષત, જળ, અને નૈવેદ્યથી) અર્પિત કરવું અને આ માત્રનું ઉચ્ચારણ કરવું –
ૐ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી માઁ બ્રહ્મચારિણી આવાહયામિ સ્થાપયામિ પૂજયામી ચ |•

You might also like
728_90