મણિદ્વીપમાં વસનારાં મા ભુવનેશ્વરી

શાસ્ત્રો મુજબ મા ભુવનેશ્વરીનો નિત્ય નિવાસ મણિદ્વીપમાં છે. તેમણે જ મહિષાસુરનું મર્દન કર્યું છે. તેઓ ચતુર્ભુજા છે. તેમનું વાહન સિંહ છે. મા ભુવનેશ્વરીની આરાધના પ્રાચીનકાળથી થતી આવી છે. તેમની અારાધના ત્રિદેવ અર્થાત્ બ્રહ્મા, વિષ્ણુ, મહેશે પણ કરી છે. તે બાબતની સત્યતા આપણાં પુરાણોમાં જોવા મળે છે.

ઇન્દ્રાદિક દેવો સહિત ક્ષેત્રપાળ, યક્ષ, ગાંદર્વ, કિન્નર, નાગ, વિદ્યાધર સહિત સૌ કરે છે. શંકરાચાર્ય પણ તેમનાં ગુણગાન ગાતાં થાકતા નહોતા. તો એક મૂર્ખ ગોવાળ ઉપર મા કાલિની કૃપા થતાં જ તે કવિ કાલિદાસ બની ગયા. એમ પણ કહેવાય છે કે જો તમે મા ભુવનેશ્વરીનું પૂજન અર્ચન કરો તો તમને સૌ દેવી દેવતાનું પૂજન કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે. જો કોઇ મનુષ્ય ઉપર આધિ, વ્યાધિ, ઉપાધિ આવી પડ્યાં હોય, તે જ્યાં જુએ ત્યાં તેને અંધકાર જ નજરે પડતો હોય, તેને એમ લાગતું હોય કે હવે આ ભવસાગરમાંથી નીકળવાનો કોઇ જ રસ્તો નથી. આગળ પહાડ છે, પાછળ ખાઇ છે. ક્યાં જવું? શું કરવું? તેની કંઇ સમજ પડતી ન હોય, દુઃખ, દારિદ્ર પીછો છોડતાં ન હોય તો આવા મનુષ્યોએ બીજું કાંઇ જ ન કરતાં મા ભુવનેશ્વરીનાં શરણમાં ચાલ્યા જવું જોઇએ. તે મનુષ્યએ બંને ટાઇમ માની પ્રતિમા બનાવી, છબી સમક્ષ ધૂપ, દીપ કરી તેમને પ્રસાદ ધરાવી તેમનું શક્ય એટલું પૂજન અર્ચન કરવું. આમ કરવાથી તેનાં તમામ અસાધ્ય સંકટ પણ દૂર થઇ જાય છે.

મા ભુવનેશ્વરીનો ઇષ્ટ મંત્ર આ મુજબ છેઃ
ૐ ઐં ભુવનેશ્વરી વદ વદ વાગ્વાદિની સ્વાહા ।।

ઉપરોક્ત મંત્ર કંઠસ્થ કરી તે મંત્રને હૃદયમાં ધારણ કરી લેવો. આ મંત્રના ૧૦૦૦૦ જાપ કરવાથી તે સિદ્ધ મંત્ર થઇ જશે. તે પછી માની પ્રતિમાનું પૂજન અર્ચન કરી તેમને લીલો કે સૂકો મેવો ધરાવી ઉપરોક્ત મંત્રનું લઘુ અનુષ્ઠાન આદરવું. મંત્ર પહેલા દિવસે જેટલા કર્યા હોય તેટલા જ મંત્ર દરરોજ કરવા. પહેલા દિવસે જેટલા કર્યા હોય તેટલા જ મંત્ર દરરોજ કરવા. પહેલા દિવસે જે સમયે જાપ કર્યા હોય તે જ સમયે જાપકરવા. જાપનું અનુષ્ઠાન ચાલતું હોય ત્યાં સુધી તન, મનથી બ્રહ્મચર્ય પાળવું. ઘરમાં ધન શુદ્ધ જ આવે તેવું ઇચ્છવું. તેવા જ પ્રયત્ન કરવા.

મા ભુવનેશ્વરી બહુ જ દયાળુ છે. તે તેમના ભક્તનું બહુ જ ધ્યાન રાખે છે. તેઓ વસે છે તો મણિદ્વીપમાં, પરંતુ તેમના ભક્તનો અંતર્નાદ થતાં જ તેઓ ભૂલોક, ભૂવર્લોક તથા બીજા લોકનું સંચાલન પડતું મૂકીને પણ ભક્તની વહારે સિંહ પર ચઢીને દોડ્યાં આવે છે અને તરત જ પોતાના ભક્તનું ઇષ્ટ કરે છે. તેમનો જે ભક્ત ધર્મના માર્ગે ચાલે છે તેનું તો તેઓ સદાય ખૂબ જ ધ્યાન રાખે છે. હરહંમેશ તેનું ઇષ્ટ કરે છે. તેનું કલ્યાણ કરે છે.

મા ભુવનેશ્વરીનું બહુ જ સુંદર મંદિર સૌરાષ્ટ્રના ગોંડલમાં આવ્યું છે. એમ કહેવાય છે કે શિવ તથા હનુમાનજી મહારાજની પૂજા સ્ત્રીઓ કરી શકતી નથી. ગાયત્રીની ઉપાસનાનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે, પરંતુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર આ ચારેય વર્ણ તથા જગતનાં તમામ નર માદા મા ભુવનેશ્વરીનું પૂજન અર્ચન કરી શકે છે. તેમની આરાધના કરી શકે છે. મા ભુવનેશ્વરીનાં બે પીઠસ્થાન છે. એક તો શાસ્ત્રોના નિર્દેશો અનુસાર તેમનું સ્થાન મણિદ્વીપના ચિંતામણિ ગૃહમાં છે. તો બીજું સ્થાન ભારતના પશ્ચિમે આવેલા સૌરાષ્ટ્રના ગોંડલમાં છે. એક સંશોધન મુજબ ભારતમાં દેવ દેવીનાં મંદિર, શિવાલય, દહેરાં, દેરાસર તથા બીજાં નાનાં મોટાં મંદિરો લાખોની સંખ્યામાં છે, પરંતુ મા ભુવનેશ્વરીનું પીઠસ્થાન સાથેનું મંદિર તો માત્ર ગોંડલમાં જ છે. મા ભુવનેશ્વરીએ જ જુદા જુદા સમયે જુદાં જુદાં સ્વરૂપો ધારણ કર્યાં છે. તેમાં મુખ્ય અંબાજી, બહુચરમા, આશાપુરા, હર્ષદમાતા, ચામુંડા, મહાકાલિ, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, પદ્માવતી,
કામાક્ષી, ત્રિપુરાસુંદરી, લલિતાંબા વગેરે છે. ખરેખર, મા ભુવનેશ્વરીએ જ જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઇ તેમના ભક્તો તથા ઇન્દ્રાદિક દેવતાઓને સહાય કરી છે.

You might also like