પરમ ભગવતી જગદંબાની ઉપાસના

મા જગદંબાની ઉપાસના સમગ્ર ભારતમાં વ્યાપક છે. ભિન્ન ભિન્ન સ્થાનોમાં પોતપોતાની રુચિ પ્રમાણે તેમનાં સ્વરૂપોની આરાધના થાય છે. અનન્ય શ્રદ્ધાથી ભાવવિભોર બની અસંખ્ય ભારતીય પરાશક્તિની આરાધના કરે છે. ભગવતી જગદંબા પરંજ્યોતિ, પરંધામ, પરમાણુ તથા પરાવીરા સચ્ચિદાનંદરૂપે સર્વવ્યાપી છે. પરંતત્વનું એ પ્રકાશરૂપ છે. મંત્ર, ન્યાસ, પૂજા પુરશ્વરણ, હોમ, રહસ્ય, સ્ત્રોત્ર, સહસ્રનામથી આદ્યશક્તિની ઉપાસના થાય છે. તેમનાં પૂજનમાં ત્રયં બધું ત્રયં છે. ત્રિકોણ કુંડલિની શક્તિ, ત્રિવેદની સૃષ્ટિ. આ જ કારણથી ભગવતી પરામ્બાને ત્રિપુરા પણ કહેવાય છે.

પરમ સૌંદર્ય અને લલિત ભાવપ્રધાન તેમની મૂર્તિને લલિતા કહેવાય છે. તેમની આરાધના એટલે તેમનાં પરમ દૈવત્વનું આપણા ઘરમાં અપસ્થાપન. તેમની માનસ પૂજા એટલે તેમના તેજસ તત્ત્વની આપણા શરીરમાં અવતારણા. આપણા આદિ ગ્રંથોમાં નિરાકારણ અને સાકાર સ્વરૂપે જગદંબાના મહિમાનું ગાન અને સ્તુતિ મળે છે. તેમની ચિન્મય, નિષ્કર્ષ, અશરીરી પરમ શક્તિ રીતે આરાધના પામી છે. બીજી બાજુ ઉષસ, રાત્રિ, વાક્, પૃથ્વી, સરસ્વતી, ઇન્દ્રાણી, વરુણની, રુદ્ર પત્ની, કાત્યાયની, કન્યાકુમારી, દુર્ગા, ઉમા હૈમવતી, વિંદ્યવાસિની, કાલિ, મહિષાસુર મર્દિની, આદિ નામેથી ઉપાસકોનાં આરાધ્યા બન્યાં છે. મા જગદંબા ભગવાન શંકરનાં પત્ની છે. તેમનું એક નામ મા પાર્વતી પણ છે.

આ ચરાચર સૃષ્ટિમાં મા જગદંબાથી વઘુ સ્વરૂપવાન બીજું કોઇ જ નથી. તેમનું તેજ હજારો સૂર્ય એક સાથે મધ્યાહ્ને પ્રકાશ્યાં હોય તેવું અદ્ભુત છે. તેમની ઉપાસના કરનાર દરેક સાધક તન, મન, ધનથી પવિત્ર બને છે. અપાર ઐશ્વર્ય પામે છે. મોટાં અંબાજી ખાતે આવેલા અંબાજી મંદિરમાં મા જગદંબાની કોઇ મૂર્તિ નથી પરંતુ અહીં વીસાયંત્ર છે. જેને એવી રીતે સચવાય છે કે સાક્ષાત મા જગદંબા ખડાં હોય.

મા જગદંબાની આરાધના કરવાનો દિવ્ય મંત્ર છેઃ કલૌં ચંડી વિનાયકૌ.
આ બીજ મંત્ર છે. માની ઉપાસના કરનારે ૧૦૦૮ મંત્ર જપી આ મંત્ર સિદ્ધ કરી લેવો. ત્યાર બાદ ર૪૦૦૦ મંત્રનું લઘુ અનુષ્ઠાન શરૂ કરવું. પહેલે દિવસે જેટલા વાગ્યે, જેટલી સંખ્યામાં જપ કર્યા હોય તેટલા જ જપ દરરોજ કરવા. ર૪૦૦૦ મંત્ર પૂર્ણ થયેથી પવિત્ર જીવન જીવતા ભૂદેવ પાસે ર૪૦૦ મંત્રની આહુતિ આપી યજ્ઞ કરાવવો. જાતે પણ આ યજ્ઞ કરી શકાય. જો યજ્ઞ કરવો ન હોય તો ર૪૦૦ મંત્ર વધુ જપવા. આમ કરવાથી મા જગદંબા જે તે સાધકને તમામ પ્રકારનું સુખ, ઐશ્વર્ય તથા અગઢિત સમૃદ્ધિ આપે છે. જે તે ભક્તને બાળકો, પુત્ર, પુત્રાદિકનું ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. તેનાં બાળકો ગુણવાન બને છે. આ બાબતો ખુદ મહર્ષિ ભૃગુએ શાસ્ત્રોમાં જણાવી છે.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like