મા આશાપુરા વ્રત

મા આશાપુરા વ્રત નામ પરથી જ ખ્યાલ આપે છે કે આ વ્રત કરનારની તમામ શુભ આશા બહુ જલદી પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી નિર્ધારિત આશા ફળે નહીં તો એમ સમજવું કે આ વ્રત કરવામાં કોઇ ચૂક થઇ હશે. જેથી તે નિષ્ફળ ગયું છે. છતાં કર્મનો સિદ્ધાંત જગતના તમામને લાગુ પડતો હોવાથી વ્રતની મોડી વહેલી અસર જોવા તો અવશ્ય મળે જ છે.
જ્યારે તમે કોઇ સાહસ કરવા જતા હો, દુકાન કે પેઢીનું ઉદ્દઘાટન કરતા હો, પરીક્ષા આપવા જતા હો, ઓપરેશન કરવા જતા હો ત્યારે તથા કોઇ ભયંકર આપત્તિ આવી પડી હોય ત્યારે આ વ્રત અવશ્ય કરવું. મા આશાપુરાને બહુ જલદી પ્રસન્ન કરતો દિવ્ય તથા ચમત્કારિક મંત્ર ઓમ હ્રીં શ્રી કલીં આશાપુરાય નમઃ છે. તેનું સતત રટણ કરવાથી પણ તેનું ચમત્કારિક ફળ જોવા મળે છે.
આ વ્રતનું ઉજવણું કરતી વખતે નવ કુમારિકા તથા એક બટુકને ચોખ્ખા ઘીનો શીરો જમાડવો. થોડો પ્રસાદ ગાય, ગરીબ બ્રાહ્મણને કોઇ વૃદ્ધને આપવો. પાણીનું એક પાત્ર લઇ ભોજનથાળ ઉપરથી નવ વખત પ્રદક્ષિણા સહિત ફરી તે પાણી ધરતીમાતાને પીવડાવી કંકુ, ચોખાનાં છાંટણા કરવાં. દર મંગળવારે એકટાણું કરવું. માતાજીની વાર્તા સાંભળવી.
મા આશાપુરાના નામની નવ મંગળવારના વ્રત નિયમ રાખવા. વ્રતના દિવસે ફળાહાર કરવો. મનને શાંત રાખવું. સાત્વિક વિચાર કરવા. ખોટું બોલવું નહીં. મા આશાપુરાનું સ્મરણ કરવું. અંતરમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે મંગળવારનું વ્રત કરવું. સવારે અથવા બપોરે નાહી ધોઇ સ્વચ્છ પૂજાનાં વસ્ત્રો પહેરી એક બાજોઠ કે પાટલો લેવો. તેેના ઉપર આસન અથવા લાલ વસ્ત્ર બિછાવી મા આશાપુરાની મૂર્તિ કે ફોટો મૂકવો. ધૂપ દીપ કરવાં. તાંબાના માંજેલા લોટામાં શુદ્ધ જળ ભરવું. પાંચ વસ્તુઓ (સાકર, ઘી, પાણી, દૂધ તથા લોટ)નો શીરો બનાવવો. તે પ્રસાદ માને અર્પણ કરવો. આસન પર બેસી મા આશાપુરાના વ્રતની કથા વાંચવી. અથવા સાંભળવી. વાર્તા પૂરી થાય ત્યારે માની આરતી, થાળ કરવા. લોટામાં ભરેલું જળ એક લાલ પુષ્પથી ઘરમાં ચારેય તરફ છાંટવું. બાકી જળ વધે તેનું ચરણામૃત લેવું.
તુલસીમાં જળ રેડવું નહીં. જે પ્રસાદ હોય તે તમામને વહેંચવો. જમવાનું એક જ વખત રાખવું. શાસ્ત્રોક્ત આધારે જગતનાં આદિ અધિષ્ઠાતા દેવી મા આશાપુરા હોવાનું મનાયું છે. તેઓ અનાદિ કાળથી પોતાના ભક્તો તથા સેવકોની રક્ષા કરી રહ્યાં છે. નિરાકારમાંથી સાકાર બની અધમ દૈત્યો, શુભ-નિશુંભ, ચંડ-મુંડ, હિંગાસુર, રક્તબીજ, આમર, ચામર, મહિષાસુરનો વધ કર્યો.
મા આશાપુરાએ શુભ-નિશુંભને મારી મહાકાળી નામ ધારણ કર્યું. ચંડ-મુંડને મારી ચામુંડા બન્યા. હિંગાસુરને મારી હિંગળાજ મા બન્યાં. મહિષાસુરને મારીને મહિષાસુર મર્દિની બન્યાં. જગતની આશા પૂર્ણ કરવા આશાપુરા મા બન્યાં.
આદ્ય આશાપુરાનું નવ મંગળવારનું વ્રત કરનારને મનવાંછિત સુખ-શાંતિ મળે છે. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમામ તમામ શુભ ઇચ્છા પૂરી કરે છે.
પર્વત, ટેકરી જંગલથી ઘેરાયેલી ખીણમાં કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભૂજથી આશરે ૯પ કિ.મી.ના અંતરે મા આશાપુરાનું ઐતિહાસિક મંદિર છે ત્યાં રહેવા-જમવાની તમામ સગવડ છે. ચૈત્રી તથા આસોની નવરાત્રિમાં ત્યાં બહુ મોટા ભકિતનાે માહોલ જામે છે. ભોજન અપાય છે. બંને નવરાત્રિની આઠમે માની આરતી બાદ ઉત્સવની પૂર્ણાહુતિ થાય છે. કચ્છના રાજવી કુટુંબના ભક્તો તેમની
પૂજા કરે છે. • શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like