વિશ્વનું પોષણ કરનાર અન્ન આહાર આપનારાં દેવી એટલે અન્નપૂર્ણા

માગશર સુદ છઠ તા.૨૪.૧૧.૨૦૧૭, શુક્રવાર
અન્નપૂર્ણા માતા સનાતન ધર્મની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરું પાડનારી દેવી માનવામાં આવે છે. અન્ન ઓછું થાય નહિ અને જોઇએ તેટલી ભરપૂરતા રહે એવું કરનારાં માતા એ અન્નપૂર્ણા માતા. મોટા જમણની રસોઇ આગળ કેટલાક શ્રદ્ધાળુ તે ખૂટે નહિ તે માટે ‘અન્નપૂર્ણા’નો પાઠ કરાવે અથવા તેમના નામનો ઘીનો દીવો કરે છે. આદિ શંકરાચાર્યએ મા અન્નપૂર્ણાની સ્તુતિમાં અન્નપૂર્ણા સ્તોત્ર રચ્યો છે.

અન્નપૂર્ણા માતા મૂળ કાશીક્ષેત્રમાં વસતાં હોવાનું માનવામાં આવે છે.આ કારણે તેમનું એક ભવ્ય મંદિર વારાણસીમાં આવેલું છે. આ ઉપરાંત ગુજરાતનાં ઘણાં બધાં શહેરો અને ગામોમાં અન્નપૂર્ણા માતાનાં મંદિરો આવેલાં છે, જે પૈકીનું એક અમદાવાદના રાયપુર વિસ્તારમાં પીપરડીની પોળમાં આવેલું છે. આ મંદિરમાં દર્શન કરવા માટે અન્નપૂર્ણા વ્રતના દિવસો દરમ્યાન ખૂબ જ ભીડ રહે છે.

દર વર્ષે ગુજરાતી પંચાંગ પ્રમાણે માગશર સુદ છઠના દિવસથી અન્નપૂર્ણા માતાજીનાં વ્રતનો પ્રારંભ થાય છે જે ૨૧ દિવસ સુધી ચાલે છે. મોટેભાગે મહિલાઓ આ વ્રત કરતી હોય છે, જેમાં ૨૧ દિવસના ઉપવાસ અથવા એકવાર જમીને માતાનું તપ કરવામાં આવે છે. એની પાછળ ભાવના એવી હોય છે કે માતા રાજી થઈને વ્રત કરનારનાં ઘરમાં અન્નના ભંડાર ભરેલા રાખે છે.

વ્રતની કથાઃ કાશી નગરીમાં દેવદત્ત અને ધનંજય નામના બે ભાઇઓ રહેતા હતા. એમાં દેવદત્ત ધનિક અને સુખી હતો જ્યારે ધનંજય નિર્ધન અને દુ:ખી હતો. પોતાના કુટુંબની દરિદ્રતા દૂર કરવા ધનંજય કાશીના મણિકર્ણિકા ઘાટે જઇને, શિવ પાર્વતીનું સ્મરણ કરતાં કરતાં જ ત્યાં સૂઇ ગયો. રાત્રે સપનામાં એક જટાધારી બ્રાહ્મણે આવીને તેને જણાવ્યું, ‘પૂર્વે કાંચી નગરીમાં રાજકુમાર શત્રુમર્દન અને તેનો મિત્ર હેરંબ જંગલમાં શિકાર કરવા ગયા. બંનેને કકડીને ભૂખ લાગી.

એક આશ્રમમાં ઋષિએ તેમની ભૂખ શમાવવા સામો (એક ખડધાન્ય) આપ્યો. રાજકુમાર તો તે અન્ન પ્રેમથી આરોગી ગયો પણ હેરંબે એ અન્નનો તિરસ્કાર કર્યો. અન્નનો આદર કરનાર રાજકુમાર જ આ જન્મમાં તારો સુખી અને સમૃદ્ધ ભાઇ દેવદત્ત છે અને અન્નનો તિરસ્કાર કરનાર પેલો હેરંબ તે તું જ છે. આમ, અન્નનો અનાદર કરનાર તું દરિદ્રતા ભોગવે છે. તેથી હવે તું દેવી અન્નપૂર્ણાનું વ્રત નિષ્ઠાથી કરીશ, તો તારું દુ:ખ દૂર થશે’. બ્રાહ્મણના કહ્યા પ્રમાણે તે પછી ધનંજયે દિવ્ય સ્ત્રીઓ પાસેથી અન્નપૂર્ણાના વ્રતની વિધિ જાણીને વ્રત કર્યું અને તે ધન ધાન્ય, સંપન્ન બન્યો. સર્વ વાતે સુખી થયો.

દેવી અન્નપૂર્ણાના વ્રત અનુષ્ઠાનની વિધિ દેવી અન્નપૂર્ણાનું વ્રત કરવાની રીત વિવિધ વાર્તાઓમાં જણાવાઇ છે. અન્નપૂર્ણાનું વ્રત માગશર સુદ છઠથી વદ અગિયારશ સુધી એકવીસ દિવસનું એક્ટાણું કરીને કરાય છે. આ વ્રતમાં સૂતરના એકવીસ તાર લઇને કંકુથી તેનું પૂજન કરીને એકત્રીસ ગાંઠો મારવી. ત્યારબાદ એકવીસ આખા ચોખાના દાણા લઇને, ‘હે મા, અન્નપૂર્ણા, મને અન્ન, પશુ, પુત્ર, યશ અને સુખ શાંતિ પ્રદાન કરો’ એવી ભાવના સાથે કોઇ પણ મંત્રથી વધાવીને દોરાને પુરુષે જમણા હાથે અને સ્ત્રીએ ડાબા હાથે બાંધવો.

દરરોજ એકાગ્રચિત્તે અન્નપૂર્ણાની વાર્તા સાંભળીને દોરાની પૂજા કરવી અને છેલ્લા એકવીસમા દિવસે અન્નપૂર્ણાની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી. સ્તુતિ, પૂજન, અર્ચન, આરતી અને પ્રદક્ષિણા કરીને હાથે બાંધેલો દોરો દેવીની મૂર્તિ આગળ અર્પણ કરવો. યથાશક્તિ બ્રાહ્મણને કરાવીને દક્ષિણા આપવી અને અન્નથી ભરેલાં એકવીસ તાંબાનાં પાત્રોનું દાન કરવું અને બીજા દિવસે સવારે માતાજીનું પૂજન કરીને વિસર્જન કરવું. ‘અન્નપૂર્ણે, સદાપૂર્ણે, શંકર પ્રાણ વલ્લભે!’ મા અન્નપૂર્ણાનું ઔદાર્ય ત્રણેય લોકમાં અનેરું છે. વિશ્વનું પોષણ કરનાર અન્ન આહાર આપનારાં દેવી એટલે અન્નપૂર્ણા.

માની આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ અભરે ભરાય છે. સદાશિવ ભિક્ષા માગી જીવન વ્યતીત કરી રહ્યા હતા. તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઇને ઉમાદેવી અન્નપૂર્ણા બન્યાં. તે સમયથી શિવજીએ ભિક્ષા માગવાનું બંધ કરી દીધું. જે કોઇ નર નારી અન્નપૂર્ણા દેવીનું વ્રત કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અન્નપૂર્ણા માતાજી ચિંતાપૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. પાર્વતી જગદંબા એ પણ અન્નપૂર્ણા જ છે. •

You might also like