જય મા અંબા ગબ્બરવાળી

રામાયણમાં ઉલ્લેખ છે કે સીતાજીની શોધમાં રામ-લક્ષ્મણ વન વન ભટકતા હતા ત્યારે શ્રી રામ-લક્ષ્મણના બનેવી શૃંગી ઋષિએ તેમને મા અંબાના આશીર્વાદ લઇ સીતાજીની શોધ કરવા સૂચવ્યું હતું. તેમણે આમ કરતાં સીતાજીની શોધ ખૂબ સરળ થઇ ગઇ હતી.

અરવલ્લીના ડુંગરોની હારમાળા વચ્ચે ગબ્બર પર્વત આવેલ છે. આ પર્વતની ટોચ પર પ્રાચીન અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું મા અંબાનું મંદિર આવેલું છે. આ મંદિર આજે ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ બહુ લોકપ્રિય થઇ ગયેલ છે.

એમ કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના વાળ ઊતરાવવાની વિધિ (બાબરી) આરાસુરનાં મા અંબાજીમાં ઊતરાવાઇ હતી. નંદરાજા અને માતા યશોદા અહીં આવ્યાં હતાં. યશોદા માતાએ આ સ્થાને જવારા પણ વાવ્યા હતા. તેઓ અહીં સાત દિવસ સુધી રહ્યાં હતાં. યશોદા માતાએ જ્યાં જવારા વાવ્યા હતા તે સ્થાન આજે પણ અહીં જોવા મળે છે. અરવલ્લીના ડુંગરોની હારમાળા વચ્ચે ગબ્બર પર્વતની ટોચ પર મા અંબા બિરાજે છે.

વિમલ શાહ નામના એક વણિક સદ્ગૃહસ્થ મા અંબાના પરમ ભકત હતા. તેમણે આ મંદિર બંધાવ્યાનું કહેવાય છે. સામાન્ય રીતે મંદિરમાં મૂર્તિ હોય છે, પરંતુ અહીં શુદ્ધ સોનામાંથી બનાવાયેલું વીસા યંત્ર છે. વીસા યંત્રમાં ગમે તે બાજુથી સરવાળો કરો, પરંતુ તેનો જવાબ ર૦ આવે છે.

એમ કહેવાય છે કે ‘જીનકે પાસ વીસા ઉસે કયા કરે જગદીશા’

માતાજીનું આ પ્રખ્યાત મંદિર વીસા યંત્રને આધારિત છે. જેને કારણે આ મંદિર દિન પ્રતિદિન વધુને વધુ સમૃદ્ધ બનતું જાય છે. કહેવાય છે કે જે ભકતને ત્યાં સોનાનું, ચાંદીનું કે તાંબાના પતરામાંથી બનાવેલ વીસાયંત્ર હોય તે ખૂબ સુખી થાય છે. મા અંબાજીના મંદિરમાં શુદ્ધ ઘીથી પ્રગટેલા રહેતા બે અખંડ દીપ છે. આ મંદિરના આગળના ભાગ પર ધાબામાં ત્રિશૂલ રાખવામાં આવેલું છે.

મંદિર સામે ચાચર ચોક છે. જ્યાં નિયમિત હવન થાય છે. કદાચ એટલે જ મા અંબા ચાચર ચોકવાળાં તરીકે ઓળખાય છે. હા એક વાત કહેવાની રહી ગઇ કે આ મંદિરમાં કયાંય તેમનો દીવો પ્રગટાવાતો નથી. અહીં પ્રગટાવવામાં આવતા તમામ દીવા ચોખ્ખા ઘીના જ હોય છે. જે કોઇ ભકત મા અંબાનું શ્રદ્ધાથી સ્મરણ કરે છે તે ભકત કયારેય દુઃખી થતો નથી. મા અંબાના મંદિરથી ફકત ચાર કિ.મી. દૂર ગબ્બર નામનો પહાડ આવેલ છે. ત્યાં સંગે મરમરથી સજાવેલા મા અંબાજીનું મંદિર આવેલ છે. અહીં માની અખંડ જયોત સતત ઝળહળે છે. આ પહાડ પર માનાં દર્શન કરવા જવું હોય તો પ્રત્યેક ભકતને ૯૯૯ પગથિયાં ચડવાં પડે છે. જે ચડતાં લગભગ આશરે ૪પ મિનિટ જેટલો સમય લાગે છે. જે ભકત અશકત હોય તેને માટે અહીં ઉડનખટોલા નામનો રોપ વે પણ બનાવાયો છે.

ખરેખર મા અંબા એટલાં દયાળુ છે કે
તેમની સાચી ભકિતથી સેવા કરનાર કે સાચી
રીતે ખરા હૃદયથી સ્મરણ કરનાર કદી
દુઃખી થતો નથી. તે ભકત આ
દુનિયારૂપી ભવસાગરમ સાવ સરળતાથી તરી જાય છે અને તે માનું નીજધામ પામે છે. તેમાં કોઇ સંશય નથી.•

You might also like