શક્તિની ઉપાસનામાં બેસતાં પહેલાં રાખવા જેવી સાવધાની

જીવનમાં વિવિધ ક્ષેત્રે શત્રુઓ દ્વારા મુશ્કેલીઓ ઊભી થાય છે. આવી સ્થિતિમાં શક્તિની આરાધના ખૂબ જ મદદગાર થાય છે. કાળી ચૌદશ સિદ્ધિદાયક સાધના માટે શ્રેષ્ઠ ગણાતી સિદ્ધ રાત્રિઓ પૈકી એક છે. આ દિવસે શક્તિની સાધના ઉપરાંત કોઈ પણ મંત્રની આરાધના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કાળી ચૌદશે કરાતી સાધના મહદંશે સંધ્યાકાળ પછી રાત્રિએ કે મધ્યરાત્રિએ જ કરવાની હોય છે. વૈષ્ણવ મંત્રની આરાધના પ્રાતઃકાળે કરી શકાય.
કાલી, છિન્ન મસ્તા, બગલામુખી, ઉચ્છિષ્ટ ચાંડાલિની દેવી, ભૈરવ, હનુમાન, દશ મહાવિદ્યા, નરસિંહવીર, જેવાં ઉગ્ર દેવ-દેવીઓની સાધના રાત્રે જ વધુ સિદ્ધિદાયક નીવડે છે. મારણ, ઉચ્ચાટન, શબ સાધના, સિપલી ઈલમ અને મેલી વિદ્યાના સાધકો પણ કાળી ચૌદશે તેમની સાધના આદરતા હોય છે. આજે કાલી શક્તિની સરળ, સૌમ્ય અને સાત્વિક સાધનાનો પરિચય મેળવીશું.
સાધનામાં લાલ રંગના પદાર્થોનો જેવા કે કુંકુમ, લાલ રંગનાં પુષ્પો, લાલ રંગનું આસન તથા લાલ રંગનાં જ રેશમી વસ્ત્ર-પીતાંબર ધારણ કરવાનાં હોય છે. પ્રસાદમાં સુખડી, શુદ્ધ ઘીમાં તળેલી પૂરી અને ખીર ધરાવવાનાં હોય છે.શિવ મંદિર, ગૌશાળા, પર્વતની ગુફા, યજ્ઞ શાળા વગેરે સ્થળે સાધના કરવામાં આવે તો ઉત્તમ, પરંતુ ઘરના એકાંત ખૂણામાં પણ સાધના કરી શકાય.
પૂર્વ દિશામાં મોં કરી બેસવું. સામે બાજઠ પર લાલ રેશમી વસ્ત્ર પાથરી દેવીની મૂર્તિ પધરાવી, ધૂપ-દીપ કરવા. દીવો આડી વાટનો શુદ્ધ ઘીનો કે તલના તેલનો કરવો. પ્રથમ શક્તિનું કુંકુ, લાલ પુષ્પ અને નૈવેદ્ય ધરાવી પૂજન કરવું. શક્તિનું યંત્ર પણ પધરાવી શકાય. અધોમુખ ત્રિકોણમાં શક્તિના બીજ મંત્રો ‘ક્લીં’ કે ‘ક્રી’ ચીતરવાં. ભોજપત્ર પર લાલ શાહી કે કુંકુની શાહીથી યંત્ર ચીતરવું. ભોજપત્ર ન મળે તો કાગળ પર ચીતરી શકાય. પ્રતિમા ચિત્રનું જે રીતે પૂજન કર્યું હોય તે પ્રમાણે યંત્રનું પૂજન કરવું. સમગ્ર પૂજાવિધિ દરમ્યાન ‘ૐ ક્રીં નમઃ ક્ ‘ૐ ક્લીં નમઃ મંત્રનો જપ કરવો. યંત્રમાં જે બીજ મંત્ર લખ્યો હોય તે જ બીજ મંત્રનો જપ કરવો.
પૂજા વિધિ પતી જાય એટલે કે મંત્રના જપ કરવા. ઓછામાં ઓછી એક માળા કરવી, વધુ જેટલી થઈ શકે તેટલી વિષમ સંખ્યામાં ૩-૫-૭-૯-૧૧ કરવી. માળા શુદ્ધ પરવાળાંની લેવામાં આવે તો ઉત્તમ. એ શક્ય ન હોય તો રુદ્રાક્ષની લેવી. સાધના પતી જાય ત્યાર બાદ યંત્રને ફોટો ફ્રેમમાં મઢાવી સેવામાં રાખવું કે તાંબાની ડબ્બીમાં મૂકી ગલ્લા-તિજોરીમાં રાખવું. તાંબા કે સોનાના પેન્ડન્ટમાં મૂકી ગળે પણ ધારણ કરી શકાય. પ્રયોગથી ગમે તેવા મહાન શત્રુ, હરીફ અને વિરોધીઓનો પરાભવ થાય છે. કોર્ટ કચેરીમાં વિજય મળે છે. નોકરી-ધંધામાં અડચણો ઊભી કરતા શત્રુઓ પરાજિત થાય છે. ઘોર-શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, માત્સર ઉપર વિજય મેળવી શકાય છે. આધ્યાત્મિક માર્ગમાં અડચણો ઊભી કરતા ષડ્ રિપુઓ ઉપર વિજય મેળવવામાં શક્તિની સાધના ખૂબ જ સહાયભૂત નીવડે છે.•
http://sambhaavnews.com/

You might also like