ભાવનગર: CM વિજય રૂપાણી દ્વારા પોલીસતંત્રના અધિકારીઓને સન્માનિત કરાયા

ભાવનગર શહેરમાં થોડા દિવસો અગાઉ હરિદર્શન એક્સપોર્ટ નામની હીરાની પેઢીમાં તેમનો જ કારીગર રૂ.8.85 કરોડના હીરા લઈને ફરાર થઇ ગયો  હોવાના સમાચાર સામે આવ્યાં હતા. ત્યારે આ આરોપીને ઝડપા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જેમાં આરોપીને ભાવનગર પોલીસે તાકીદે ઝડપી પાડી તેમજ જ્યાં સુધી આ હીરા તેના મૂળ માલિકને પરત આપવામાં ના આવે ત્યાં સુધી એક ખાસ લોકર ખોલાવી તેમાં રાખી અને ત્યારબાદ તમામ મુદ્દામાલ હરિદર્શન પેઢીના માલિકોને સુપ્રત કરી ભારે નામના મેળવી હતી.

ભાવનગર પોલીસની આ ઉત્તમ કામગીરીને બિરદાવતા ડાયમંડ એસોસિએશન અને હરિદર્શન એક્સપોર્ટ દ્વારા તેમના એક સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ સહિતના લોકો તેમજ ડી.આઈ.જી-એસપી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ભાવનગર પોલીસતંત્રના અધિકારીઓને શાલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.પોલીસની આ ઉત્તમ કાર્યવાહીને બિરદાવતા હરિદર્શન એક્ષ્પોર્ટ દ્વારા પાંચ લાખનો ચેક પોલીસ ભંડોળમાં આપવામાં આવ્યો હતો.

You might also like