એમ.બી.શાહ પંચનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરાયો

ગાંધીનગરઃ વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે રાજ્ય સરકારે અાખરે એમ.બી.શાહ તપાસ પંચનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ૨૦ વોલ્યુમનો ૫૫૦૦ પેજનો અંગ્રેજી ભાષામાં લખાયેલો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવાની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં પંચનો અહેવાલ રજૂ કરવાની માગણી સાથે વિપક્ષ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો.

આજે વિધાનસભા ગૃહમાં એમ.બી. શાહ કમિશનનો રિપોર્ટ રજૂ કરાયા બાદ પત્રકારોને સંબોધતા નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આજે રજૂ થયેલો અહેવાલ હવે વિધાનસભાની માલિકી છે. હવે આગળ નિયમ મુજબ કાર્યવાહી થશે. હાલમાં અર્જુન મોઢવાડિયા ગૃહના સભ્ય નથી, પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ખોટા આક્ષેપો સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે તે તદ્ન તથ્યહીન છે. પંચે સ્પષ્ટ તારણ આપ્યું છે કે આ આક્ષેપો પાયાવિહોણા છે. દરેક મુદ્દા અને આક્ષેપોની તપાસ પંચે કરી છે. મોદીની છબી ખરડવાનો વિપક્ષનો પ્રયાસ તદ્દન નિષ્ફળ ગયો છે.

પંચમાં કુલ ૧૭ મુદ્દા હતા. જેમાં બે આક્ષેપોના મુદ્દા હાઇકોર્ટમાં પેન્ડિંગ હતા તેથી પંચે ૧૫ મુદ્દાનો અહેવાલ રજૂ કર્યો છે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તમામ અાક્ષેપો વિપક્ષે કર્યા હતા. વધુાં તેમણે કહ્યું હતું કે પંચે જ્યારે પ્રદેશ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ અર્જૂન મોઢવાડિયા અને વિપક્ષના તત્કાલીન નેતા શક્તિસિંહ ગોહિલને તેમની રજૂઆત અને પુરાવા સાથે હાજર થવા જણાવ્યું ત્યારે સૌપ્રથમ તેઓએ ૧૦ દિવસની મુદત માગી. ત્યાર બાદ ૧૧/૧૧/૧૧ના રોજ પંચ દ્વારા બીજી વખત તેમને રજૂઆત કરવાની તક આપવાનો પત્ર લખાયો ત્યારે તેમણે આ પંચને તેઓ સ્વીકારતા નથી અને તેઓ કોઇ સહકાર નહીં આપે તેવો પત્ર લખ્યો હતો. ત્યાર બાદ ૩૦/૧૧/૧૧ ફરી ત્રીજી તક આપીને રાષ્ટ્રપતિને ભ્રષ્ટાચારના મુદ્દે આક્ષેપો સાથે આવેદનપત્ર આપનાર અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહને રજૂ કરવા જણાવ્યું હતું.

એટલું જ નહીં ૧૦ એપ્રિલ-૧૨ના રોજ જાહેરાત બહાર પાડી લોકોને પણ આમંત્રણ આપેલું કે જેઓ આ મુદ્દે રજૂઆત કરી શકે. તેમના આક્ષેપો મુજબ પુરી ફાઉન્ડેશનને જે જમીન ૨૦/૨માં ફાળવવામાં આવી હતી તે પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાના અધ્યક્ષપદે ફાળવાઇ હતી, જેમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની ખોટી સંડોવણી કરવામાં આવી હતી. ૧૯૯૭માં અદાણી ગ્રૂપને ચાર વખત રૂ. ૧ના મીટરે જમીન ફાળવવામાં આવી તે વખતે કોંગ્રેસ સમર્થિત સરકાર હતી. ૧૯૯૮માં સિમેન્ટ કંપની ૧૫૦ એકર જમીન માગી હતી. તે સમયે વધુ ૧૫૦ની સાથે ૩૦૦ એકર જમીન જે તે કંપનીને ફાળવાઇ હતી.

કચ્છની ગૌચરની જમીન માટે ૨૦૦૮માં રિટ દાખલ થયેલી હતી. ૧૦૦૦ એકર જમીન માટેની અરજી કોર્ટ દ્વારા ડિસમિસ કરાઇ હતી. ૧૯૯૩માં પણ છબીલદાસ મહેતાના અધ્યક્ષપદે જનરલ મોટર્સ ઇન્ડિયાને જમીન ફાળવાઇ હતી. નેનો પહેલો મુદ્દો નથી. એલએન્ડટી, ભારત હોટલ, સરખેજ ગાંધીનગર હાઇવે, એસ્સાર, કચ્ચ વગેરેની જમીનોના આક્ષેપો જે રાષ્ટ્રપતિને અપાયેલા આવેદનપત્રમાં કરવામાં આવેલા તે તમામ મુદ્દાઓની પંચ દ્વારા સ્પષ્ટ તપાસ થઇ ગયા બાદ પંચ દ્વારા રિપોર્ટ રજૂ કરાયા છે. આ સમગ્ર અહેવાલ અને તપાસ પાછળ પંચ માટે રૂ. ૩થી ૪ કરોડનો ખર્ચ થયો છે.
http://sambhaavnews.com/

You might also like