ઓલિમ્પિક ર૦ર૦ માટે સશકત સંચાલન સમિતિની ભલામણ

નવી દિલ્હી: ઓલિમ્પિક ટાસ્ક ફોર્સે ટોકિયોમાં ર૦ર૦માં યોજાનારા રમતોત્સવનાં સૌથી મોટાં આયોજન માટે એક સશકત સંચાલન સમિતિની રચના કરવાની ભલામણ કરી છે. આ સાથે જ ટાસ્ક ફોર્સે ભારતીય કોચની સેલરી પર પણ કોઇ પણ પ્રકારની મહત્તમ મર્યાદા હટાવવાની હિમાયત કરી છે.

આગામી ત્રણ ઓલિમ્પિક રમતોત્સવ માટે કાર્ય યોજના તૈયાર કરવા આ ટાસ્ક ફોર્સની રચના રમતગમત મંત્રાલયે કરી છે. આઠ સભ્યના ટાસ્ક ફોર્સે રમતગમત પ્રધાન વિજય ગોયેલની મુલાકાત પણ લીધી હતી. ટાસ્ક ફોર્સમાં ઓલિમ્પિક ગોલ્ડમેડલ વિજેતા શૂટર અભિનવ બિન્દ્રા અને રાષ્ટ્રીય બેડમિંગ્ટન કોચ પુલેલા ગોપીચંદનો પણ સમાવેશ થાય છે.

ગોપીચંદે જણાવ્યું હતું કે અમે નિયમિત રીતે સમયાંતરે બેઠક યોજીએ છીએ. ર૦ર૦ ઉપરાંત ર૦ર૪ અને ર૦ર૮ને લઇને પણ ચર્ચા ચાલી રહી છે. પેનલમાં સામેલ અન્ય ત્રણ ખેલાડીઓ- બિન્દ્રા, ગોપીચંદ અને પૂર્વ ભારતીય હોકી કેપ્ટન વિરેન રાસકિન્હાએ ટોકિયો ઓલિમ્પિક માટે યોજના તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ટાઇમ્સ ગ્રૂપ ઓનલાઇનના ચીફ એડિટર રાજેશ કાલરા, શિક્ષણવિદ ઓમ પાઠક, સ્પોર્ટ સાયન્ટિસ્ટ જી.એલ.ખન્ના અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલ સંદીપ પ્રધાનનો પણ ટાસ્ક ફોર્સના અન્ય સભ્યોમાં સમાવેશ થાય છે.

ટાસ્ક ફોર્સની ભલામણો ઊડતી નજરે..
– આ સશકત સંચાલન સમિતિ સાથે મળીને કામ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હાઇ પર્ફોર્મન્સ ડાયરેકટર (એચપીડી)ની નિમણૂક કરવામાં આવે.
– ભારતીય કોચ અને સપોર્ટ સ્ટાફની સેલરી પર મહત્તમ મર્યાદાનો પ્રતિબંધ હટાવવામાં આવે.
– પૂર્વ એથ્લિટસને વિવિધ સંઘોના માધ્યમ સાથે જોડીને કોચિંગ, સપોર્ટ સ્ટાફ, ટેકનિકલ ફિલ્ડ વગેરે સાથે જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવે.
– સક્ષમ એથ્લિટસ અને તેમના કોચ માટે રાષ્ટ્રીય મૂડી તરીકે વડા પ્રધાન ગોલ્ડકાર્ડ જારી કરવામાં આવે. આ કાર્ડ દ્વારા ખેલાડીઓ અને કોચને એર, ટ્રેન, બસ પ્રવાસ માટે ઇમર્જન્સી કવોટા જેવી આરામદાયક સુવિધા મળવી જોઇએ.
– ઇએસસી હેઠળ ખેલાડીઓ માટે એક સ્પેશિયલ સેલની રચના થવી જોઇએ, જે ખેલાડીઓની જરૂરિયાતનું ધ્યાન રાખશે. તેનાથી ખેલાડીઓ પોતાની ટ્રેનિંગ પર ધ્યાન આપી શકશે.
– સ્પોર્ટ સાયન્સને પ્રાથમિકતા મળવી જોઇએ.
– નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)ની ર૪X૭ હેલ્પલાઇન હોવી જોઇએ કે જેથી ખેલાડીઓ જરૂર પડે સલાહ મેળવી શકે.
– ખેલાડીઓ અને કોચની પ્રાથમિકતા હોવી જોઇએ.

http://sambhaavnews.com/

You might also like