લક્ઝરી બસમાં ઘૂસી તલવારધારી શખસોનો અાતંકઃ યુવાનની હત્યા

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાતે અસામાજિક તત્ત્વોએ ફિલ્મી ઢબે લકઝરી બસમાં ઘૂસીને પેસેન્જરો પર તલવાર વડે હિંસક હુમલો કરીને આતંક મચાવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે. લકઝરી બસમાં સીટ પુશબેક કરવા મામલે બે પેસેન્જર વચ્ચે થયેલી બોલાચાલીને લઈ અસામાજિક તત્ત્વો તલવારો લઇને લકઝરીમાં ઘૂસી ગયા અને સાલે કો માર ડાલો તેમ કહીને બસમાં બેઠેલા પેસેન્જર અને તેમના પરિવાર પર તૂટી પડ્યા હતા. દરમિયાનમાં બબાલ શાંત કરવા માટે વચ્ચે પડેલા યુવક પર તલવાર વડે હુમલો થતાં તેનું બસમાં જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બસના કન્ડક્ટર અને માતા-પુત્રીને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ઓઢવ વિસ્તારમાં રહેતા શનિકુમાર ધર્મેન્દ્રકુમાર વર્માએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં સાત શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે નવરાત્રિ હોવાથી બે દિવસ પહેલાં દીપ ટ્રાવેલ્સ નામની લકઝરી બસના સંચાલકે પેસેન્જરોને પાવાગઢ દર્શન કરવા માટે લઇ ગયા હતા. માતાજીના દર્શન કરવા શનિકુમાર તેમની માતા પ્રિયાદેવી અને બહેન પૂજા વર્મા સાથે ગયા હતા ત્યારે ઓઢવ વિસ્તારમાં કર્ણાવતીપાર્કમાં રહેતો પરબતસિંહ કુશવાહા પણ દર્શન કરવા માટે ગયો હતો. ગઇ કાલે દિવસે પરબત લકઝરીમાં તેની સીટ પુશબેક કરીને બેઠો હતો ત્યારે શનિએ પરબતને સીટ સીધી કરવાનું કહ્યું હતું. આ મામલે પરબત અને શનિ વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ મારામારી પણ થઇ હતી. જેની અદાવત રાખીને પરબતે તેના સાગરીત ધમેન્દ્રને બબાલ થઇ હોવાનો ફોન કરી દીધો હતો. શનિ સાથે ઘડાનો બદલો લેવા માટે ધમેન્દ્ર અને તેના સાગરીતો ઋષભ, ચંદન તેમજ અન્ય ત્રણ વ્યકિતઓને લઇને મોડી રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ ઓઢવ વિસ્તારમાં આવેલ સીએમસી વહેરા પાસે તલવાર, પાઇપો તેમજ ધારદાર હથિયાર લઇને ઊભા રહ્યા હતા.

લકઝરી બસ ઓઢવ પહોંચી ત્યારે ધમેન્દ્ર અને તેના સાગરીતો એકાએક બસમાં ઘૂસી ગયા હતા અને સાલે કો માર ડાલો તેમ કહીને શનિ પર તૂટી પડ્યા હતા. શનિ પર હુમલો થાય તે પહેલાં તેની માતા  પ્રિયાદેવી અને પૂજા વચ્ચે આવી ગયા જતાં તેમના પર તલવાર વડે હુમલો થયો હતો. દરમિયાનમાં રવીન્દ્રકુમાર દિનાનાથ સિંઘ કરીને એક યુવક બબાલ શાંત કરાવવા માટે વચ્ચે પડ્યો ત્યારે તેના પર તલવાર અને ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. જ્યાં તેનું લકઝરી બસમાં મોત થયું હતું. જ્યારે બસના ડ્રાઇવર દિલીપભાઇ કિંગ ઉપર પણ તલવાર વડે હુમલો કરીને હુમલાખોરો ભાગી ગયા હતા.

આ હિંસક હુમલાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યારે ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને દીધો હતો. ઘટનાની જાણ સમગ્ર વિસ્તારમાં થતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં દિલીપ, પ્રિયાદેવી તેમજ પૂજાને ઇજા પહોંચતાં તેમને સરવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે રવીન્દ્રકુમારની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. ઓઢવ પોલીસે હુમલો કરનાર બે શખ્સની અટકાયત કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

You might also like