લકઝરી બસ ગટરમાં પલટી ખાઈ જતાં નવ મુસાફરોને ગંભીર ઈજા

અમદાવાદ: પાદરા-જંબુસર રોડ પર તલાવડીના વળાંક પાસે એક ખાનગી કંપનીની લકઝરી બસ ગટરમાં ખાબકતાં નવ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. જેમાંથી બેની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળે છે.

અા અંગેની વિગત એવી છે કે પાદરા-જંબુસર રોડ પર મહલી તલાવડીના વળાંક પાસેથી પસાર થઈ રહેલ ખાનગી કંપનીની લકઝરી બસના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ બાજુમાંથી પસાર થઈ રહેલ ગટરમાં ખાબકી હતી. બસ ગટરમાં ખાબકતા બસમાં બેઠેલા મુસાફરોએ ભયના કારણે ચીસાચીસ કરી મૂકી હતી.

અા ઘટનામાં કુલ નવ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત તમામને ડભાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ બસનો ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે અા અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like