લૂંટેરી દુલહનઃ શિક્ષક સાથે લગ્ન કર્યા, અઠવાડિયામાં દાગીના લઈ પલાયન

શહેરમાં અમરાઇવાડી બાદ નવા વાડજમાં વધુ એક લૂંટેરી દુલહનનો આતંક સામે આવ્યો છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક સાથે લગ્ન કર્યાં બાદ સાત દિવસમાં યુવતી સાડા આઠ તોલા સોનું અને એક લાખ રોક્ડ લઇને નાસી જતાં પોલીસ ફરિયાદ થઇ છે. ડાબેરીવાદમાં માનતા હોવાથી ઇશ્વરમાં વિશ્વાસ ધરાવતા નથી. જેથી અગ્નિ સમક્ષ ફેરા નહીં ફરવાનું કહીને માત્ર ફૂલહાર કરીને લગ્ન કર્યાં હતાં.

નવા વાડજ વિસ્તારમાં આવેલ લાલબાગ સોસાયટીમાં રહેતા અને ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ૪૦ વર્ષિય શીર્ષેન્દુરોયે વાડજ પોલીસ સ્ટેશનમાં પત્ની સહિત પાંચ લોકો વિરુદ્ધમાં ચીટિંગની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે શીર્ષેન્દુરોયના લગ્ન કરવાનાં હોવાથી તેમને વર્ષ ૨૦૧૪માં મેરેજ બ્યૂરો ચલાવતા કમલ મિત્ર અને માનવ ઘોષ નામની વ્યકિતની મુલાકાત લીધી હતી અને લગ્ન માટે યુવતી બતાવવાની વાત કરી હતી.

થોડાક દિવસ પછી બન્ને જણાએ ચંદ્રાણી ચેટરજી અને તેમના પતિ પ્રફુલ કાલે નામના દંપતીને શીર્ષેન્દુરોયના ઘરે મોકલ્યાં હતાં. પ્રફુલ કાલેએ શીર્ષેન્દુરોય માટે તેમની સાળી ઈંદ્રાણીનાં લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. શીર્ષેન્દુરોયને ચંદ્રાણી પંસદ આવતાં તેમને લગ્ન માટેની હા પાડી દીધી હતી અને તારીખ ૧ ડિસેમ્બર ૨૦૧૪નાં રોજ લગ્ન કરવાનું નક્કી કરી દીધું હતું. લગ્ન પહેલા શીર્ષેન્દુરોયના માતા પિતાએ સાડા આઠ તોલા સોનું વકીલ પ્રદીપ રાજપૂતની હાજરીમાં આપ્યું હતું.

સોનું આપ્યા બાદ ઇન્દ્રાણી, ચંદ્રાણી, તેમના પિતા મનોજભાઇ તેમજ સોનાલીએ શીર્ષેન્દુરોય અને તેમનાં માતા પિતાને જણાવ્યું હતું કે તેઓ ડાબેરીવાદમાં માનતા હોવાથી ઇશ્વરમાં વિશ્વાસ ધરાવતા નથી. જેથી અગ્નિ સમક્ષ ફેરા નહીં ફરવાનું કહ્યું હતું. જેથી વકીલ પ્રદીપભાઇ રાજપૂતે ફોર્મમાં બન્નેની સહીઓ લઇ લીધી હતી. તમામ વિધિ પૂરી થઇ ગયા બાદ ઇન્દ્રાણી શીર્ષેન્દુરોયના ઘરે ગઇ હતી અને સાત દિવસ ત્યાં રોકાઇ હતી. શીર્ષેન્દુરોયએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટેની વાત કરતાં તે તબિયત સારી નહીં હોવાનું કહીને ટાળતી હતી.

સાસરીમાં આવ્યાના એકાદ બે દિવસ બાદ ઇન્દ્રાણી અલગ રૂમમાં રાત્રે સૂઇ જતી હતી. આ મામલે ઇન્દ્રાણીનાં માતા પિતા તેમજ શીર્ષેન્દુરોયનાં માતા પિતા વચ્ચે મુલાકાત થઇ હતી. જેમાં બન્ને વચ્ચે ઝઘડો થતાં મનોજ ચેટરજીએ તેમને જતાં રહેવાનું કહ્યું હતું. શીર્ષેન્દુરોયે લગ્નના કાગળો ઇન્દ્રાણીને આપ્યા હોવાથી તેણે પણ હાથ ઊંચો કરી દીધો હતો. ઇન્દ્રાણી લગ્નના સાત જ દિવસમાં સાડા આઠ તોલા સોનું અને એક લાખ રૂપિયા લઇને જતી રહી હતી.

પોલીસે આ મામલે વેજલપુરમં રહેતા ઇન્દ્રાણી, ચંદ્રાણી, મનોજભાઇ સોનાલી અને પ્રફુલ કાલે વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઇન્દ્રાણીનાં લગ્ન શીર્ષેન્દુરોય જોડે થયાં જ નથી તેવું કહેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

You might also like