લંચબોક્સ-વોટરબેગનાં ખોખાંમાં સંતાડેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

અમદાવાદ: રાજસ્થાનથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી અમદાવાદ તરફ અાવી રહેલી એક ટ્રકને પોલીસે શામળાજી ચેકપોસ્ટ નજીક વેણપુર ગામ નજીકથી ઝડપી લઈ તલાસી લેતા લંચબોક્સ અને વોટરબેગનાં ખોખાંમાં સંતાડેલું વિદેશી દારૂનો જંગી જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે અાશરે અડધા કરોડનો મુદ્દામાલ કબજે કરી બે શખસોની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એ‍વી છે કે રાજસ્થાનથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી એક ટ્રક શામળાજી ચેકપોસ્ટ થઈ અમદાવાદ તરફ જઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે રાત્રી દરમિયાન શામળાજી-રતનપુર હાઈવે પર સઘન વોચ ગોઠવી વાહનચેકિંગ શરૂ કર્યું હતું.

દરમિયાનમાં વહેલી સવારે એક ટ્રક પુરઝડપે પસાર થતાં પોલીસે તેનો પીછો કરી ટ્રકને અાંતરી હતી. ટ્રકની તાડપત્રી ખોલીને જોતાં તેમાં લંચબોક્સ અને વોટરબેગનાં ખોખાં જોવા મળ્યાં હતાં. પોલીસને શંકા જતાં તમામ બોક્સ ખોલીને જોતાં અા બોક્સમાં સંતાડેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે અાશરે રૂ. ૪૦ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી ૫૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી સત્યનારાયણ ભારદ્વાજ અને પરવીન વાલ્મીકિની ધરપકડ કરી હતી. અા વિદેશી દારૂનો જથ્થો અમદાવાદમાં કયા સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

visit: sambnaavnews.com

You might also like