લખનૌમાં થયેલા એન્કાઉન્ટરમાં શાર્પશૂટર સુનીલ શર્મા ઠાર મરાયો

લખનૌ: ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં આજે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં એક શાર્પશૂટર સુનીલ શર્માને ઢાળી દેવામાં આવ્યો હતો. સુનીલ આ વર્ષે જુલાઈમાં લખનૌ કોર્ટમાં હાજર થતી વખતે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસની ચાર ટીમો તેની શોધખોળમાં લાગી હતી. શુક્રવારે બાતમીદાર તરફથી મળેલી માહિતી મુજબ પોલીસે આ કાર્યવાહી કરી હતી. સુનીલ યુપીની નામચીન ગેંગ સલીમ-સોહરાબ ગેંગનો શાર્પશૂટર હતો.

પોલીસના જણાવ્યા અનુસાર સુનીલ શર્માને જુલાઈમાં હરદોઈ જેલથી લખનૌ કોર્ટમાં હાજર થવા માટે લાવવામાં આવ્યો હતો ત્યારે તે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. દરમિયાન પોલીસને એવી બાતમી મળી હતી કે શુક્રવારે સવારે સુનીલ લખનૌના મુનશી પુલિયાની નજીક પોતાના એક સાગરીતને મળવા આવ્યો છે.

આ બાતમીના આધારે પોલીસ મુનશી પુલિયા પહોંચી ગઈ હતી. પોલીસને જોતાં જ સુનીલ પોતાના સાગરીત સાથે બાઈક પર ભાગવા લાગ્યો હતો. પોલીસે સુનીલનો પીછો કર્યો હતો. જ્યારે સુનીલ હજરતગંજ થઈને ગોસાઈ ગંજ સ્ટેડિયમની નજીક પહોંચ્યો તો પોલીસની બીજી ટીમે તેને ઘેરી લીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે સુનીલને સરેન્ડર કરવા કહેવામાં આવ્યું તો તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેના ફાયરિંગનો વળતો જવાબ આપીને પોલીસે તેને એન્કાઉન્ટરમાં ઢાળી દીધો હતો. સુનીલનો સાગરીત નાસી ગયો હતો અને પોલીસ તેની શોધમાં છે.

એસએસપી દીપકકુમારના જણાવ્યા અનુસાર સુનીલના માથા માટે ૧૫,૦૦૦નું ઈનામ હતું. સુનીલ બિહારના સિવાન જિલ્લાનો રહેવાસી હતો અને સિવાનના પૂર્વ સાંસદ શાહબુદ્દીનનો નજીકનો સંબંધી હતો. સુનીલ સામે બિહારમાં કેટલાય કેસ દાખલ થયેલા છે. શાહબુદ્દીનની નિકટ હોવાથી તેની ઓળખ યુપીની ચર્ચાસ્પદ ગેંગ સલીમ-સોહરાબ ગેંગના સલીમ સાથે થઈ હતી અને ત્યારબાદ આ ગેંગ માટે તે શાર્પશૂટર તરીકે કામ કરવા લાગ્યો હતો.

You might also like