લખનૌ મેટ્રોમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકાઃ પહેલા દિવસે જ મેટ્રોમાં ખામી સર્જાઈ

લખનઉ: બે વર્ષ અને ૧૧ મહિનાની લાંબી પ્રતીક્ષા બાદ જ્યારે લખનૌ મેટ્રો સામાન્ય જનતા માટે પ્રથમ વાર દોડી ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકાનો ઘાટ સર્જાયો હતો. વાસ્તવમાં પ્રથમ િદવસે જ લખનૌ મેટ્રોમાં ટેકનિકલ ખામી સર્જાતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દુર્ગાપુરી અને મવઈઆ વચ્ચે મેટ્રોમાં ટેકનિકલ ખામી સર્જાતાં અટકી ગઈ હતી અને પ્રવાસીઓને બહાર કાઢવા પડ્યા હતા. બાકી ચાર મેટ્રો ઓપરેશનલ છે. ટેકનિકલ ખરાબીના કારણે મેટ્રો આલમબાગ પાસે ૨૦ મિનિટ માટે ફસાઈ ગઈ હતી.

આજે સવારે મેટ્રો આમ જનતા માટે સવારે ૬.૦૦ વાગ્યે ટ્રાન્સપોર્ટનગરથી ચારબાગ જવા રવાના થઈ હતી, તેમાં મીડિયા અને મેટ્રોના કેટલાય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. ટીપીનગરથી મેટ્રો જ્યારે ચારબાગ સ્ટેશન અને ત્યારબાદ આલમબાગ પહોંચી ત્યારે તેમાં એકાએક ટેકનિકલ ફોલ્ટ ઊભો થયો હતો અને એક કલાક સુધી મેટ્રો ત્યાં રોકી દેવી પડી હતી. મેટ્રોની ટેકનિકલ ખામી દૂર કરવા એન્જિનિયરને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ તાત્કાલિક ફોલ્ટ શોધી શક્યા ન હતા. આથી બંધ પડેલી મેટ્રોને લઈ જવા માટે બીજી મેટ્રો બોલાવવી પડી હતી. આ દરમિયાન મેટ્રો ટ્રેક પર વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઈ કાલે જ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને રાજ્યપાલ રામ નાઈકની હાજરીમાં મેટ્રોનું ઉદ્ઘાટન થયું હતું. તેમણે ટ્રાન્સપોર્ટ નગરથી લખનૌ મેટ્રોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ઉદ્ઘાટન દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે સમયસર મેટ્રો યોજના સંપન્ન થવી એ એક મોટી વાત છે. તેમણે આ માટે શ્રીધરન અને તેમની ટીમને અભિનંદન આપ્યાં હતાં.

You might also like