પ્રદૂષણથી ત્રાહિમામ્ઃ લખનૌમાં કૃત્રિમ વરસાદની તૈયારી

લખનૌઃ જીવલેણ થઇ ચૂકેલા વાયુ પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે હવે કૃત્રિમ વરસાદ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. યુપી સરકાર આ માટે આઇઆઇટી કાનપુરની મદદ લેશે. આ નિર્ણય બુધવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે આયોજિત બેઠકમાં લેવાયો છે. આ દરમિયાન મુખ્યપ્રધાને કેસરબાગ બસ મથક પરથી અતિક્રમણ હટાવવાના આદેશ પણ આપ્યા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે જરૂર પડે તો જૂનાં વાહનોને પણ બંધ કરાવાશે. પ્રદૂષણને ઘટાડવા માટે કચરો ન સળગાવવાના આદેશ પણ અપાયા છે. સાથે સાથે રસ્તાઓ પર ધૂળ, માટીથી ઊડતાં પ્રદૂષણને રોકવા પાણીનો છંટકાવ કરવામાં આવશે. એટલે કે કૃત્રિમ વરસાદ શરૂ કરાશે. તેની જવાબદારી નગર નિગમ અને ફાયર બ્રિગેડ ટેન્કરોની હશે.

બેઠકમાં નગર વિકાસ પ્રધાન સુરેશ ખન્ના, કૃષિ પ્રધાન સૂર્યપ્રતાપ શાહી, પર્યાવરણ રાજ્ય પ્રધાન ઉપેન્દ્ર તિવારી, પ્રમુખ સચિવ ગૃહ અરવિંદકુમાર, પ્રમુખ સચિવ પર્યાવરણ રેણુકાકુમાર સહિત કેટલાય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાયા.

You might also like