LPGની સબસિડી છોડવા બદલ અાભાર માને તે બરોબર પણ અાટલી પૂછપરછ કેમ?

અમદાવાદ ઃ સરકાર દ્વારા ૧૦ લાખ કે તેથી વધુ વાર્ષિક અાવક મેળવનારાઓને રાંધણ ગેસમાં સબસિડી ન મેળી શકે તેવો નિયમ હાલમાં અમલી છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન અાપીને રાંધણ ગેસમાં સબસિડી મેળવતા અનેક પરિવારોએ સબસિડી છોડી દીધી છે. રાજ્યમાં કુલ ૨,૮૯,૮૯૧ પરિવારાેએ વડા પ્રધાન મોદીની અપીલના કારણે સબસિડી છોડી દીધી છે. અા ખાસ પ્રોજેક્ટ અંતર્ગત ડિસ્ટ્રિબ્યૂટર તરફથી સબસિડી છોડનાર ગ્રાહક પર ફોન અાવે છે અને સબસિડી છોડવા બદલ અભિનંદન અાપે છે.

પરંતુ ત્યાર પછી તમારા ઘરમાં કોણ, કેટલી વ્યક્તિ કમાય છે. વગેરે વિગતો પૂછવામાં અાવતાં ગ્રાહકો અકળાઈ રહ્યા છે. બીજી તરફ ડિસ્ટ્રિબ્યૂટરોનું કહેવું છે કે તેમને અાઈઓસી તરફથી એક સોફ્ટવેર અપાયું છે જેમાં સબસિડી છોડનાર ગ્રાહકની વિગત વાર્ષિક અાવક, અને કોન્ટેક નંબર સહિતની માહિતી એકત્ર કરવાની રહે છે. અા અંગે રાંધણ ગેસ અસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જવાબ અાપવો કે નહીં તે ગ્રાહકની ઇચ્છા પર છે. પરંતુ કોઈ ઓછી અાવકવાળા ગ્રાહકે સબસિડી છોડી હોય તો સમાજમાં દાખલો બેસાડવા માટેનો હેતુ સવાલો પૂછવા બાબતે હોઈ શકે છે.

You might also like