રાંધણગેસનું હવે ઈ-બુકિંગ અને ઈ-પેમેન્ટ થઈ શકશે

અમદાવાદ: ઓનલાઈન અને ઈ-પેમેન્ટના યુગમાં હવે રાંધણગેસનું પણ પ્રવેશ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના ગ્રાહકો ૧ જાન્યુઅારી ૨૦૧૬થી રાંધણગેસના સિલિન્ડરનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે.

ઇ સુવિધાની સગવડમાં નેટ બેન્કિંગમાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી ઓનલાઇન રિફિલ બુકિંગ અને પેમેન્ટ જમા કરવાથી ચારથી પાંચ દિવસ પછી ગેસ રિફિલ ગ્રાહકને મળી જશે. તેના માટે ગેસ રિફિલ ધારકે પોતાની કંપનીની વેબસાઇટ ઉપર લોગ ઓન કરવું પડશે. દરેક ગેસ રિફિલ વિક્રેતા જે તે કંપની સાથે જોડાયેલા હશે, જેથી ગ્રાહક રિફિલ પેમેન્ટ કરશે કે તુરત જ જે તે ગેસ એજન્સીના ખાતામાં જમા થશે અને ગેસ એજન્સીમાં રિફિલનું બુકિંગ થવાની સાથે અેડ્વાન્સ પેમેન્ટ મળી જવાથી ડિલિવરીની પ્રક્રિયા ફાસ્ટ થશે.

કેટલાક સંજોગોમાં ઇ પેમેન્ટ કરી દીધા બાદ ભાવમાં વધ ઘટ થઇ હશે તો ડિલિવરી મેન ગેસ રિફિલની ડિલિવરી કરશે ત્યારે વધ ઘટની રકમની પહોંચ લાવશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશનની સાથે જ બેન્કિંગ વ્યવસ્થાની માફક ગેસ એજન્સી દ્વારા ગ્રાહકને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. જો ઓનલાઇન રજિસ્ટ્રેશન નિષ્ફળ જશે તો ગ્રાહક હાલની પદ્ધતિ મુજબ ફોન દ્વારા ગેસ સિલિન્ડર બુક કરાવી શકશે.

ઓનલાઇન બુકિંગ અને પેમેન્ટમાં તમામ વિગતો ઓનલાઇન મળવાના કારણે ગ્રાહકને ગેસ એજન્સીનો સંપર્ક કરીને પૂછપરછ કરવાની પદ્ધતિમાંથી મુક્તિ મળશે, કારણ કે ગેસ રિફિલનો ભાવ, પેમેન્ટની સિસ્ટમ અને કન્ફર્મેશન સહિતની તમામ જાણકારી અને ખાતરી કસ્ટમરને મળી રહેતા પુરાવો પણ રહેશે અને ક્યારેક રજિસ્ટ્રેશન નંબર લખાવવામાં કે લખવામાં થયેલી ભૂલ, ફોન એન્ગેજ, ગેસ એજન્સીના કામકાજના કલાકો સિવાય રજિસ્ટ્રેશન ન થઇ શકે તેવી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે, કારણ કે ઇ પેમેન્ટ અને ઇ બુકિંગ ૨૪x૭ થઇ શકશે, આ અંગે ગેસ એજન્સી ધરાવતા રાકેશભાઈ શાહે જણાવ્યું હતું કે હાલમાં આ પ્રયોગ ટ્રાયલ પર છે. અમોને જાણ કરવામાં આવી છે ૧લી જાન્યુઆરીથી અમલી થવાની પૂરી શક્યતા છે.

આ ઉપરાંત ઓનલાઈન નવું ગેસ કનેકશન પણ છેલ્લા બેથી ત્રણ માસ પૂર્વે થયું છે. જેના ડોક્યુમેન્ટ્સ પણ ગ્રાહક ઓનલાઈન અપલોડ કરીને નવું કનેકશન રજિસ્ટર્ડ કરાવે છે. આ યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

You might also like