લવસ્ટોરીમાં લોચો પડ્યો

છેલ્લા થોડા સમયથી ગુજરાતી ભાષામાં મજાની ફિલ્મો રિલીઝ થાય છે. એવું નથી કે માત્ર એજેડ લોકો જ ગુજરાતી ફિલ્મો જોઇ રહ્યા છે, પરંતુ મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થતી ગુજરાતી ફિલ્મની ટિકિટ લેવા યંગસ્ટર્સ પણ લાઇનમાં ઊભા હોય છે. તેનું કારણ એ છે કે હવે અર્બન ગુજરાતી ફિલ્મોએ ધૂમ મચાવી છે. દરેક ગુજરાતી ફિલ્મને પ્રેક્ષકો મળી જ રહે છે, પરંતુ જો ફિલ્મની વાર્તા થોડી મજાની હોય તો સો ટકા ગુજરાતીઓને તે પસંદ પડતી જ હોય છે. યુવાનોની સાથે-સાથે વડીલો, બાળકો અને મહિલાઓને પણ ગમી જાય તેવી લવસ્ટોરીવાળી અને કોમેડી ફિલ્મ ‘લવસ્ટોરીમાં લોચો પડ્યો’ આગામી ૧૦ માર્ચે રિલીઝ થઇ રહી છે.

આ ફિલ્મના નિર્માતા અજિત ગાંધી છે. કોમર્શિયલ એડ્. અને ફિલ્મ મેકિંગ ક્ષેત્રે અગ્રણી પ્રોડક્શન હાઉસ પ્રોમ વિઝનના અજિત ગાંધી આ ફિલ્મથી સ્વતંત્ર ફિલ્મ નિર્માતા તરીકે પ્રેક્ષકો સમક્ષ આવી રહ્યા છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક મનોજ નથવાણી છે. તેમને નરેન્દ્ર મોદીના હાથે બેસ્ટ લેખક અને દિગ્દર્શકનો પુરસ્કાર પણ મળેલો છે. છેલ્લાં ૨૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી ગુજરાતી રંગભૂમિ પર સતત સફળ નાટકો આપવા માટે જાણીતા શરદ દેસાઇ આ ફિલ્મના પ્રસ્તુતકર્તા છે. ફિલ્મમાં શરદ વ્યાસ, નરેશ પટેલ અને વિકાસ મહેતા છે. આ ઉપરાંત ધવન મેવાડા, ગ્રીષ્મા મહેતા, શુભમ દેસાઇ, મેઘા જોશી, પ્રીતેશ ભરુચા અને હેમંત ઝા જેવા કલાકારો છે.
ફિલ્મની સ્ટોરી કંઇક એવી છે કે ચુસ્ત નિયમ પાલનના આગ્રહી એવા મકાન માલિક હીરુભા (હેમંત ઝા) પોતાના ઘરનો એક રૂમ માત્ર ને માત્ર અપરિણીત પુરુષ ભાડવાતને રહેવા માટે આપે છે. કુંવારો ભાડવાત જો પરણે તો તે કરારપાત્ર ન રહે અને જો પરણેલો ભાડવાત ખોટું બોલીને રહેવા આવે તો પકડાઇ જાય અને સીધો કોર્ટમાં જાય. બીજી બાજુ શહેરમાં નવા ફૂટી નીકળેલા બિલ્ડર ધનજી (શરદ વ્યાસ) અને મનજી (શરદ દેસાઇ) હીરુભાની જમીન સસ્તામાં ખરીદી લેવાના ચક્કરમાં ચુસ્ત નિયમોની શરતો હેઠળ ફસાય છે. શરૂઆતથી અંત સુધી પેટ પકડીને હસાવતી આ મનોરંજક ફિલ્મનું શૂટિંગ દક્ષિણ ગુજરાતમાં થયું છે. •
http://sambhaavnews.com/

You might also like