પ્રેમી યુગલે દુપટ્ટા વડે હાથ બાંધી નદીમાં ઝંપલાવ્યું

અમદાવાદ: મૂળ ભાવનગરના રહેવાસી યુવક અને વેરાવળની યુવતીએ દુપટ્ટા વડે હાથ બાંધી ગઈ કાલે રાત્રે સુભાષબ્રિજના નારણઘાટ પાસેના વોક-વે પરથી સાબરમતી નદીમાં પડતું મૂક્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે બંનેની લાશને બહાર કાઢી પોલીસને જાણ કરતાં સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈ કાલે ફાયર બ્રિગેડને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે સુભાષબ્રિજના નારણઘાટ પાસેના વોક-વે પરથી એક યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવ્યું છે, જેથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક દોડી જઈ બંનેની લાશ બહાર કાઢી હતી. બંને યુવક-યુવતીએ દુપટ્ટા વડે હાથ બાંધી નદીમાં ઝંપલાવ્યું હતું.

આ અંગે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બંનેની તપાસ કરતાં મૃતક યુવકનું નામ મયૂરધ્વજસિંહ ભરતસિંહ ચૌહાણ (ઉં.વ. ૨૫) અને મૃતક યુવતીનું નામ કૃપાલી ભરતભાઈ કારિયા (ઉં.વ. ૨૭) હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં બંને નેસ્લે કંપનીમાં સાથે નોકરી કરતાં હતાં અને પ્રેમ પ્રકરણને લઈ બંનેએ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોઈ શકે. યુવતી પાસેથી આર્ટ ઓફ લિવિંગનું આઈકાર્ડ પણ મળી આવ્યું હતું. પોલીસે તેઓનાં પરિવારજનોને જાણ કરતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યાં હતાં. આ અંગે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like