પ્રેમી યુગલોને બ્લેકમેલ કરી મોબાઈલ લૂંટતા બે ઝડપાયા

અમદાવાદ: ગાર્ડનમાં બપોરના સમયે બેઠેલાં સ્કૂલ તથા કોલેજનાં પ્રેમી યુગલોના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપીને મોબાઇલ ફોનની લૂંટ કરતા હોવાની કબૂલાત બે રીઢા ચેઇન સ્નેચરોએ પોલીસ સમક્ષ કરી છે. રામોલ પોલીસે ગઇ કાલે ચેઇન સ્નેચિંગ કરતા બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી આઠ મોબાઇલ ફોન મળી આવ્યા છે. આ તમામ મોબાઇલ ફોન પ્રેમી યુગલોને બ્લેકમેલ કરીને અથવા તો ચપ્પુ બતાવીને લૂંટેલા હોવાનું સામે આવ્યું છે.

ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં ફક્ત ગુનાઓ કરીને પોતાનું જીવન ગુજારવા માટે આવેલા ચંદનસિંહ રાજપૂત અને મલખાનસિંહ યાદવની રામોલ પોલીસે ત્રણ ચેઇન સ્નેચિંગના ગુનામાં ધરપકડ કરી છે. પકડાયેલા બન્ને આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે જે જગ્યાએ સીસી ટીવી કેમેરા લગાવેલા ના હોય તેવી જગ્યાએ રેકી કરીને તેઓ વૃદ્ધ મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા. આ સિવાય તેમની પાસેથી આઠ મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ચંદનસિંહ અને મલખાને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેઓ રામોલ, વટવા વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં બપોરના સમયે એકાંત પળો માણી રહેલાં કોલેજના પ્રેમી યુગલોના ફોટા મોબાઇલથી પાડતા હતા. ત્યારબાદ બન્ને જોડે જઇને તમારા ફોટોગ્રાફ્સ પાડ્યા છે તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને બદનામ કરી દઇશું તેવી ધમકી આપીને તેમની પાસેથી મોબાઇલ ફોનની લૂંટ કરતા હતા. જો કોઇ યુગલ મોબાઇલ ફોન આપવાનો ઇનકાર કરે તો તેમને ચપ્પુ બતાવીને મોબાઇલ ફોન લૂંટી લેતા હતા. પોલીસે બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ ગુનાનો ભેદ ખોલવા માટે તજવીજ હાથ ધરી છે.

You might also like