પ્રેમી યુગલે એક સાથે પોત પોતાના ઘરે ફાંસો ખાધોઃ યુવતીનું મોત

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં પ્રેમી યુગલે પોતપોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ કરુણ ઘટનામાં ફેશન ડિઝાઇનરનો અભ્યાસ કરતી યુવતીનું મોત નીપજ્યું છે જ્યારે ડેકોરેશનનો ધંધો કરતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ યુવકની સ્થિ‌િત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. શાહીબાગ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

શાહીબાગ વિસ્તારમાં આવેલ મનુભાઇની ચાલીમાં રહેતી 19 વર્ષીય કિંજલ રાજેન્દ્રભાઇ પરમાર મેઘાણીનગર ખાતે ફેશન ‌િડઝાઇનરનો અભ્યાસ કરે છે ત્યારે કિંજલની પાડોશમાં રહેતો 24 વર્ષીય નીલેશ રમેશભાઇ પરમાર મંડપ ડેકોરેશનનો ધંધો કરે છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર કિંજલ અને નીલેશ બન્ને એકબીજાને ગાઢ પ્રેમ કરે છે. ગઇ કાલે કિંજલનાં માતા-પિતા નોકરી પર ગયાં હતાં અને તેનો ભાઇ સ્કૂલે ગયો હતો ત્યારે તેણે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. કિંજલનો ભાઇ સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે તેણે તેને લટકતી હાલતમાં જોઇ હતી.

જ્યારે બીજી તરફ કિંજલે જે સમયે ગળાફાંસો ખાધો તે સમયે નીલેશે પણ તેના ઘરે ફાંસો ખાઇને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. નીલેશનાં પરિવારજનો ઘરે હાજર હોવાથી તેને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેની સ્થિ‌િત નાજુક હોવાનું જણાવ્યું હતું. શાહીબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને આ કેસના તપાસનીશ અધિકારી એમ.એ. પટેલે જણાવ્યું છે કે કિંજલ અને નીલેશ એકબીજાને પ્રેમ કરે છે.

હાલ તો બંને જણાએ આત્મહત્યા કરવાનું સાથે નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. કિંજલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે ત્યારે નીલેશ ભાનમાં આવે ત્યારે આત્મહત્યા કરવા પાછળની સાચી હકીકત સામે આવી શકે છે. કિંજલના મોત બાદ નીલેશે ગળાફાંસો ખાધો હોવાની પણ સ્થાનિક રહીશોમાં ચર્ચા હતી, જેથી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

You might also like