લાંબી કુરતી સાથે મેળવો લવલી લુક

એથનિક કપડાં ક્યારેય પણ બોરિંગ હોતાં નથી. બસ, તેની સાથે થોડી વસ્તુઓમાં થોડાઘણા ફેરફાર કરીને એકદમ અલગ જ દેખાવ પ્રાપ્ત કરી શકાય છે. હાલ યુવતીઓમાં લાંબી કુરતીની ફેશન ચાલી રહી છે. જોકે ફેશન સાથે પરફેક્ટ અને સ્ટાઇલિશ લુક મેળવો પણ એટલો જ જરૂરી છે. ઘણી વખત એવું પણ બને છે કે ફેશનના નામે આપણે એવું કાંઇક મિસમેચ પહેરી લઇએ છીએ કે જે ખરેખર આપણા વ્યક્તિત્વને શોભતું નથી.

આજના સમયમાં ફેશન થોડાથોડા સમયના અંતરે બદલાય છે ત્યારે કેટલાંક કપડાંને આપણે આઉટ ઓફ ફેશન ગણીને વૉર્ડરોબના એક ખૂણામાં મૂકી દેતા હોઇએ છીએ. ત્યારે આવાં જ કેટલાંક કપડાંની મદદથી મેળવી શકાય છે ટ્રેન્ડી અને લવલી લુક. ખાસ કરીને વાત કરીએ લોંગ કુરતીની તો પહેલાં પણ આવા કુરતા પાયજામાની ફેશન હતી જ, પરંતુ બદલાતા સમય સાથે લાંબી કુરતીની ફેશન આઉટડેટેડ થઇ ગઇ અને ની-લેન્થ કુરતીએ ધૂમ મચાવી હતી. જોકે ફેશનના બદલાતા ટ્રેન્ડ સાથે ફરી પાછા લાંબા કુરતા આવી ગયા છે, પરંતુ પહેલાં તે સલવાર સાથે પહેરવામાં આવતા હતા હવે લાંબી કુરતી સાથે તમે પલાઝો, સિગાર કટ પેન્ટ, જિન્સ કે લેગિંગ્સ પહેરી શકો છો.

ફેશન ડિઝાઇનર રિયા શાહ કહે છે કે, “ઓફિસ, પાર્ર્ટી, કોઈ પણ સેલિબ્રેશન કે પછી કોઇ પણ પ્રસંગે તમે લાંબી કુરતી પહેરી શકો છો. લાંબી કુરતી સાથે ચૂડીદાર અને લેગિંગ્સ આઉટ ઓફ ડેટ થઇ ગયાં છે. તેને તમે સ્ટ્રેટ પાયજામા, એન્કલ લેન્થ પેન્ટ, પલાઝો પેન્ટ, લાંબા સ્કર્ટ સાથે પહેરી શકો છો.” આ ફ્યુઝન કોમ્બિનેશનથી અલગ અને રોકિંગ દેખાવ મેળવી શકાય છે. ડેનિમ પણ સદાબહાર છે. જેને તમે લાંબી કુરતી સાથે પહેરી શકો છો.

સ્કાર્ફને બનાવો સ્ટાઇલ સ્ટેટમેન્ટઃ સિલ્કી હેન્કી સ્કાર્ફ પણ તમને અલગ અને હટકે દેખાવ આપી શકે છે. એકદમ પ્લેન કુરતા સાથે પ્રિન્ટેડ સ્કાર્ફને ગળામાં લગાવી શકાય છે. તેવી જ રીતે પ્રિન્ટેડ કુરતી પર કોન્ટ્રાસ્ટ કલરનો પ્લેન સ્કાર્ફ ડીસન્ટ લુક આપે છે.

ફૂટવેર હોવાં જોઈએ ક્લાસીઃ જો તમે કુરતા સાથે ફ્લેટ્સ પહેરતાં હોવ તો ભૂલથી પણ આવી ભૂલ ન કરતા. આ ઉપરાંત લોંગ કુરતી પર ક્યારેય જૂત્તી ન પહેરવી. લાંબી કુરતી પર બ્લોક હીલ્સ કે પછી હાઇ હીલ્સ પહેરવા જોઇએ. ખાસ કરીને જેમની લંબાઈ ઓછી છે તેમણે ચોક્કસથી લાંબી કુરતી નીચે હાઇ હિલ્સ જ પહેરવા જોઇએ.

રૉયલ બ્લૂ, બ્લેક, રેડ અને નિયોન કલરની હીલ્સ ચોક્કસ ટ્રાય કરવી જોઇએ.
કપડાં પહેરવાની રીતભાત તમારા વ્યક્તિત્વની અલગ ઓળખ આપે છે. ફેશનના તાલ સાથે તાલ મિલાવી અને પરફેક્ટ દેખાવ મેળવવા ટ્રાય કરી જુઓ લોંગ કુરતી સાથે સ્ટાઇલના ફેશન ફંડા.

પૂર્વી દવે વ્યાસ

You might also like