પ્રેમમાં એકબીજાના ગુણ-અવગુણ સહાયક કે બાધારૂપ બનતા નથી

એક વાર છૂટાછેડા લઇ ચૂકેલી એક અમેરિકન નારી મિસિસ સિમ્પસનના પ્રેમમાં ઇંગ્લેન્ડના પાટવીકુંવર આઠમા એડવર્ડ છેવટે ગાદીનો ત્યાગ કરે છે. આઠમા એડવર્ડનું કુટુંબ એક એવી સામાન્ય નારીને પણ રાણી તરીકે સ્વીકારવા તૈયાર નથી. પાટવીકુંવરે ગાદીત્યાગ કરવાના કારણમાં કહ્યું કે મારી પ્રિયતમા વોલિસ મારી સાથે નહીં હોય તો હું રાજા તરીકેની મારી ફરજો યોગ્ય રીતે બજાવી નહીં શકું. આઠમા એડવર્ડે પોતાના આ પ્રેમની કથા એક પુસ્તકરૂપે લખી છે. એનું શીર્ષક છે, ‘કિંગ્ઝ સ્ટોરી’. એની પ્રિયતમા વોલિસે પણ પોતાના પ્રણયની કથા લખી છે, એનું શીર્ષક છે, ‘હાર્ટ હેઝ ઇટ્‌સ ઓન રિઝન્સ’-પ્રેમ કરવામાં હૃદયનાં પણ કારણો હોય છે.
આ બધું જાણીએ ત્યારે પ્રશ્ન એ થાય છે કે જિંદગીની તમામ અન્ય બાબતોને ગૌણ બનાવી દેનારી આવી ‘લગન’ એક નારી માટે હોય તેનું શું રહસ્ય હશે? મૂળભૂત પ્રશ્ન એ છે કે ખરેખર પ્રેમ શું છે? ઘણાબધા કિસ્સામાં પ્રેમ પામનારી નારી તદ્દન સામાન્ય દેખાવની હોય છે. ઇટાલીનો સરમુખત્યાર મુસોલિની પોતાની અત્યંત સ્વરૂપવાન પત્ની રસેલને ચાહી શકતો નથી અને ક્લેરા પેટાસી જે ઉંમરમાં નાની છે અને મુસોલિનીની રૂપાળી પત્નીની સરખામણીમાં એટલી દેખાવડી પણ નથી એના પ્રેમમાં પડે છે તો આવા પ્રેમનું કારણ શું? ‘ચંપા તુઝ મેં તીન ગુન, રૂપ, રંગ ઔર બાસ, એક હી અવગુન ભયો, ભ્રમર ન આવે પાસ!’ સ્ત્રી-પુરુષ વચ્ચેના આવા અનન્ય આકર્ષણનું રહસ્ય શું? માત્ર કામેચ્છા જ આમાં નિર્ણાયક ગણી શકાય તેવું નથી, કેમ કે કામેચ્છામાં કોઇ એક જ વ્યક્તિ પ્રત્યેની અતૂટ નિષ્ઠા ખાસ હોતી જ નથી. ભગવાન શ્રીકૃષ્ણ અને તેમનાથી ઉંમરમાં આઠ વર્ષ મોટી રાધા વચ્ચેના સ્નેહમાં આ તત્ત્વ ગેરહાજર જ છે. રાધા મોટી પણ છે અને પરિણીત પણ છે.
ખરેખર પ્રેમ શું છે? બે વ્યક્તિઓ વચ્ચેના ‘આકર્ષણ’ ઉપરાંત કોઇક ગૂઢ તત્ત્વ છે, જેને પ્રેમનું નામ આપવું પડે, કામેચ્છા ઘણાબધા કિસ્સામાં પ્રેમની ચાદર નીચે ઢંકાયેલી હોય છે. ચાદર એ કાંઇ ત્વચા નથી અને સાચો પ્રેમ ત્વચા જેટલો જ અવિભાજ્ય અને સંવેદનશીલ હોય છે.
જર્મનીના મહાકવિ ગેટે એક અભણ નારીના પ્રેમમાં છે. આપણા એક મહાન નેતા જયપ્રકાશ નારાયણ અને તેમની પત્ની પ્રભાદેવી વચ્ચે તો કોઇ દૈહિક સંબંધ જ નથી અને છતાં એ દાંપત્ય કદી તૂટતું નથી. કોઇ કોઇ વાર થાય કે બે વ્યક્તિઓ વચ્ચેના લોહીમાં જ કાંઇક એવું તત્ત્વ છે, જે તમામ અસમાનતાઓને પાર કરી જાય છે.
જગતભરના સાહિત્યમાં- કથાઓમાં, કવિતાઓમાં, જીવન-ચરિત્રોમાં, પ્રેમકથાઓમાં પ્રેમ વિશે ઘણુંબધું લખાયું છે અને છતાં સ્વીકારવું જ પડે કે કોઇ એનો પાર પામી શક્યું નથી. પરમાત્માની જેમ જ એની અનુભૂતિ થઇ શકે. સાક્ષાત્કાર શક્ય છે. પણ તેનું કોઇ એવું બાહ્યસ્વરૂપ નથી કે જેને સ્પર્શી શકાય કે બહારની આંખ વડે જોઇ શકાય. સ્ત્રી-પુરુષ વચ્ચેનો પ્રેમ એ જ પ્રેમ એવું પણ નથી. બે પુરુષો વચ્ચે પણ મૈત્રી હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ-સુદામા, શ્રીકૃષ્ણ, અર્જુન, દાનવીર કર્ણ અને દૂર્યોધન. સ્ત્રી-પુરુષની વચ્ચે અનન્ય મૈત્રી પણ હોય છે.
શ્રીકૃષ્ણ અને દ્રૌપદી. એવાં બીજાં પણ દૃષ્ટાંતો મળી શકે છે. કોઇ પણ પ્રેમસંબંધમાં અને મૈત્રીસંબંધમાં એકબીજાના ગુણ-અવગુણ સહાયક કે બાધારૂપ બનતા નથી. સ્વ. જવાહરલાલ નહેરુ અને સ્વ. રફી અહમદ કિડવાઇની મૈત્રીની ભૂમિકા સમજવી મુશ્કેલ છે. સ્વ. સરદાર સાહેબે કિડવાઇના કેટલાક વહેવારોની સાચી હકીકતો સ્વ. નહેરુને જણાવી હતી, પણ એ બધું જાણ્યા પછી પણ મૈત્રીમાં કશી આંચ આવી નહોતી. સ્વ. મૌલાના અબુલ કલામ આઝાદ સ્વ. નહેરુની નિંદા કરતા અને નેહરુ એ જાણતા હોવા છતાં એમની મૈત્રી ટકી જ રહી હતી. આપણી સામાન્ય માન્યતા એવી છે કે બે ગુણવાન કે અવગુણવાળી બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ કે મૈત્રીનો સંબંધ સંભવી શકે, પણ આપણે જોઇએ છીએ તે સાચું નથી. ગુણ અગર અવગુણનો મુદ્દો પ્રેમ કે મૈત્રીસંબંધમાં નિર્ણાયક બનતો નથી. કેટલાક કિસ્સામાં તો એક જ પક્ષનો પ્રેમ બીજા પક્ષના એવા લગાવ વગર પણ ટકી રહે છે.
આપણા કવિ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને ‘ગીતાંજલી’ માટે નોબેલ પારિતોષિક મેળવી આપવામાં જે નિમિત્તરૂપ બનેલા તે આયર્લેન્ડના કવિ ડબલ્યુ. બી. યીટ્‌સે અઢાર વર્ષ સુધી એક સ્ત્રીને ચાહી. આયર્લેન્ડના સ્વાતંત્ર્ય જંગની એક સેનાની ગોને મોદે દાદ ના આપી, છતાં ડબ્લ્યુ. બી. યીટ્‌સનો નિરુત્તર પ્રેમ ઝંખવાયો નહીં. એ નારી માને તે માટે યીટ્‌સે અઢાર વર્ષ રાહ જોઇ-તપશ્ચર્યા જ કરી, પણ એ નારી છેવટે એક સૈનિકને પરણી ગઇ, છતાં યીટ્‌સના મનમાં એણે માનેલી પોતાની પ્રેમમૂર્તિ સહેજ પણ ઝાંખી પડી નહોતી.

You might also like