‘લવ જેહાદ બંધ કરો’ની માગ સાથે શિવસેનાએ આવેદન આપ્યું

વડોદરા : વોટ્સએપ પર લવ જેહાદના વાયરલ થયેલા મેસેજના વિરોધમાં શિવસેના દ્વારા આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન પત્ર આપીને લવ જેહાદની પ્રવૃત્તિ રોકવા માટેની માંગણી કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં સ્ટુડેન્ટ ઓફ મુસ્લિમ યુથ ફોરમના નામથી લવ જેહાદનો મેસેજ વાયરલ થયો છે. આ મેસેજમાં બિનમુસ્લિમ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવા માટે દોઢ લાખથી લઇને ૭ લાખ રૂપિયા સુધીનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

વડોદરાની એસએસજી હોસ્પિટલના મેડિકો લીગલ ઓફિસર ભાવેશ નાયકને ૭ ફેબ્રુઆરીએ વોટ્સએપ ગૃપમાં લવ જેહાદને પ્રોત્સાહન આપતો મેસેજ મળ્યો હતો. જેથી તેઓએ આ મામલે વડોદરા સાઇબર ક્રાઇમમાં અરજી કરી હતી. લવ જેહાદને પ્રોત્સાહન આપતો મેસેજ વાયરલ થતા હિન્દુવાદી સંગઠનો સક્રિય થયા છે. વડોદરા શહેરમાં શિવસેના દ્વારા આજે કલેક્ટર કચેરી બહાર ‘લવ જેહાદ બંધ કરો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

શિવસેનાએ આપેલા આવેદનપત્રમાં લવ જેહાદની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રોક લાવવા અને તેની સાથે સંકળાયેલા લોકોને ઝડપી પાડીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની માગણી કરવામાં આવી છે. સાથે લવ જેહાદ આવનારા સમયમાં સમાજ તથા દેશ માટે ખૂબ જ ઘાતક અને ખતરનાક છે તેમ જણાવાયું હતું.વડોદરા શિવસેનાના ઉપપ્રમુખ મયુર પંચાલે જણાવ્યું હતું કે, છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં લવ જેહાદને નામે આપણી મા-બહેનને વેચવાનો મેસેજ વાયરલ થયો છે.

આ મેસેજને વાયરલ કરતા શખ્સોને જલ્દીથી જલ્દી પકડીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવી પ્રવૃત્તિ કરતાં પહેલા આવા તત્વો ૧૦૦ વખત વિચાર કરે. સરકાર આ મામલે યોગ્ય પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં આ મામલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોઇ પણ યુવતી લવજેહાદમાં ફસાયેલી હોય તો તેઓ ૪, સુવર્ણ કોમ્પ્લેક્સ, સાંઇ  ચોકડી માંજલપુર અથવા ચામુંડાનગર શોપિંગ સેન્ટર, આજવા રોડની ઓફિસનો સંપર્ક કરી શકે છે.

You might also like