પ્રેમની રોમાંચકતા પતિ-પત્નીમાં જ સૌથી વધુ જોવા મળે છે

એક યુવાન પરિણીતાએ પોતાની બહેનપણીઓને કહ્યું: ‘આપણા સૌનો અનુભવ છે કે પતિ પત્નીને ચાહતો હોય છે, એના માટે કીમતીમાં કીમતી સાડીઓ ને કીમતી પોશાક લઈ આવે છે. દરદાગીના પણ લાવી આપે, પણ કોઈ કોઈ વાર એવું લાગે છે કે આજના પતિદેવો પત્નીને માત્ર ચપટી માન નથી આપતા!’
વિચારીએ તો આ કથનમાં કાંઈક તથ્ય છે. એવાં દંપતી જોવા મળે છે, જ્યાં પતિ-પત્નીને પરસ્પર પ્રેમ છે, પણ કોઈ કોઈ પ્રસંગે કારણ વગર પણ પત્નીનું અપમાન કરતાં પાછું વાળીને જોતા નથી. પાંચ મહેમાનોની હાજરીમાં એ કોઈક નાનકડી વાતમાં પત્નીનું અપમાન કરી નાખશે. કદાચ એ પતિ આટલી હદે પોતાના કર્મચારી કે નોકરનું અપમાન નહીં કરે. કોઈ કદાચ વળતી દલીલ કરી શકે કે પોતાની સૌથી નજીકની વ્યક્તિ સાથેના વહેવારમાં પતિ કોઈ ને કોઈ પ્રસંગે અપમાન લાગે તેવું કડવું વેણ કહે કે ઠપકો આપે તો તેને અપમાન ગણવું નહીં જોઈએ. એક દલીલ તરીકે એ વાત ઠીક છે, પણ વિચારવા જેવો મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે કોઈ નારી કોઈની પત્ની હોય તો તેથી એક સ્વતંત્ર વ્યક્તિનો દરજ્જો ગુમાવી બેસતી નથી. જે નારી પોતાની જીવનસાથી છે તેનું અપમાન કોઈ પણ પ્રસંગે અગર કોઈ પણ વજૂદવાળા કારણે પણ કરવું તે એક પ્રકારે પોતાના દાંપત્યનું પણ અવમૂલ્યન છે.
એક પ્રૌઢ નારી પ્રસિદ્ધિના પ્રકાશમાં આવી ત્યારે કોઈએ તેમને પ્રશ્ન કર્યો: ‘તમારા પતિ તમને ખરેખર ખૂબ ચાહે છે તેમ તમે માનો છો? જવાબમાં એ નારીએ કહ્યું: ‘અમે બંને આજે જેને લગ્નનો પ્રારંભ પ્રેમથી થયો હોય છે એમ માની છીએ ત્યાં પ્રેમ લગ્નનું પ્રેરક બળ હોય છે, પણ પછી વર્ષો જતાં એ બળતણનું તળિયું દેખાઈ રહ્યું હોય એવું લાગે છે.
લાંબા લગ્નજીવનમાં મેં જોયું કે પ્રેમના લગ્નને પ્રેમલગ્નનું નામ આપીએ છીએ એવાં પ્રેમલગ્ન નહોતાં કર્યાં. ઘણી બધી લગ્નકથાઓમાં લગ્નનાં સહજીવનમાંથી પ્રેમ-ચાહત ઉદ્‌ભવે છે. લગ્નનો પ્રારંભ પ્રેમથી થયો હોય છે. ત્યાં પ્રેમ લગ્નનું પ્રેરક બળ હોય છે, પણ પછી વર્ષો જતાં એ બળતણનું તળિયું દેખાઈ રહ્યું હોય એવું લાગે છે. લાંબા લગ્નજીવનમાં મેં જોયું કે પ્રેમના પ્રવાહની સપાટીમાં થોડીક ચડઊતર આવી હશે, પણ મનમાં કદી ઓટ આવી નથી. નદીના શાંત જળપ્રવાહની જેમ તે તો એક જ સ્તરે રહ્યું છે. કદાચ વધ્યું હશે પણ ઘટ્યું નથી. આપણે આજે જેને રોમાંચક પ્રેમ તરીકે પિછાનીએ છીએ એવો રોમાંચક પ્રેમ પતિ-પત્નીમાં ભરપૂર જોવા મળે છે, પણ પ્રેમનો સચ્ચાઈપૂર્વક દાવો કરનારાં પતિ-પત્નીના વહેવારમાં માન-આદર ઓછાં થયાં હોય એવું કોઈ કોઈ વાર
લાગે છે.’
પ્રેમ કરતો પુરુષ માને છે કે એનું અપમાન કરું તો તે મારો અધિકાર છે. ઘણી પત્નીઓ પણ માનતી હશે કે પતિનું અપમાન કરવાનો તેને જરૂર અધિકાર છે, કેમ કે તે તેને ચાહે છે. અહીં કહેવું જોઈએ કે પતિ અને પત્ની બંનેને એકબીજાને કડવું કહેવાનો, ઠપકો આપવાનો જરૂર અધિકાર છે, પણ તે અધિકારનો પણ એકાંત-બે જ વ્યક્તિઓના પ્રેમસંવાદના- પ્રેમચેષ્ટાના એકાંતમાં જ ઉપયોગ થઈ શકે. આજકાલ નવદંપતીઓ જાહેરમાં પ્રેમ કરતાં, પ્રેમ-પ્રદર્શન કરતાં જોવા મળે છે, પણ ઘણા બધા કિસ્સામાં એકબીજાનું અપમાન કરતાં પણ દેખાય છે. ગાઢ પ્રેમસંબંધમાં માન-અપમાનનો ખ્યાલ હોઈ ના શકે તેમ જરૂર માનીએ, પણ તેમાં અપમાનનું પ્રદર્શન તો ન જ હોય. સહેજ સમજણાં થયેલાં બાળકો જ્યારે પોતાના પિતાને માતાનું અપમાન કરતાં જુએ છે ત્યારે એ બાળકો પણ પોતાની માતાનું અપમાન કરતાં ખચકાતાં નથી. પછી એ બાળકો મોટાં થઈને લગ્ન કરે છે ત્યારે દીકરીઓની વાત કદાચ અલગ હશે, પણ પુત્રો પરણે છે પછી એમની પત્નીઓ પોતાના પતિદેવોની માતાનું અપમાન કરતાં સંકોચ અનુભવતી નથી.
આપણા સમાજમાં પુત્રવધૂઓનું અપમાન વેઠનારી નારીઓ એ જ હોય છે, જેમને તેના પોતાના પુત્રોએ યોગ્ય માન-સન્માન આપ્યું નથી હોતું. સાસુ-વહુના સંબંધોમાં આ પણ એક નકારાત્મક બળ બની રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ જ્ઞાતિ કે વર્ગમાં જે લગ્નો થાય છે તે બધાં જ કાંઈ પ્રેમલગ્ન હોતાં નથી.
કેટલીક વાર એવો પ્રશ્ન જરૂર ઊઠે કે પ્રેમમાંથી લગ્ન ઉદ્‌ભવે કે લગ્ન થકી પ્રેમ બંધાય ? એક વાત કહેવી પડશે કે ખરેખર પ્રેમલગ્ન લગ્નના નામે ઓળખાય છે, તેમાં પ્રેમ ચાલ્યો જાય છે, કેમ કે ‘પ્રેમ’નું નામ આપવામાં આવે છે તેવા કિસ્સામાં ઘણા બધા કામવૃત્તિના મોહક આકર્ષક રૂપ તરીકે જ પ્રેમ સામે આવ્યો હોય છે. એવું સ્વીકારી શકાય કે કોઈ પણ પ્રેમના પાયામાં મૂળભૂત તો કામવૃત્તિ છે, પણ છેવટે એ જ વૃત્તિ ઊર્ધ્વીકરણ પામીને પ્રેમ-શુદ્ધ પ્રેમ બને છે.
– લેખકના પુસ્તકમાંથી

You might also like