૨૦૦ મિલિયન પાઉન્ડના ખર્ચે લોર્ડ્સનું રિનોવેશન થશે

લંડનઃ દુનિયાનાં સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ મેદાનોમાં સામેલ લંડનનું લોર્ડ્સ મેદાનની હવે કાયાપલટ થવા જઈ રહી છે. આ ઐતિહાસિક સ્ટેડિયમને નવી ચમક આપવા માટે ૨૦૦ મિલિયન પાઉન્ડની રકમને મંજૂરી આપી દેવામાં આવી છે. નવા પ્લાન અનુસાર ૨૦૨૨ની એશીઝ શ્રેણી પહેલાં લોર્ડ્સ મેદાનને બિલકુલ નવો લુક મળી જશે. આ રણનીતિ અનુસાર લોર્ડ્સ મેદાનમાં સૌથી જૂના સ્ટેન્ડ્સને તોડી પાડવામાં આવશે અને તેના સ્થાને નવા સ્ટેન્ડ્સ બનાવાશે. તોડી પડાનારાં સ્ટેન્ડ્સ છે એલન સ્ટેન્ડ, જેનું નિર્માણ ૧૯૩૫માં થયું હતું અને ટેવર્ન સ્ટેન્ડ, જેનું નિર્માણ ૧૯૬૦ના દાયકામાં થયું હતું. મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના જણાવ્યા અનુસાર આ મેદાનના સ્કોરબોર્ડના સ્થાને હવે નવું સ્કોરબોર્ડ લગાવાશે, જ્યારે સ્ટેન્ડ્સમાં દર્શકની સંખ્યા વધારવાની સાથે સાથે બે રેસ્ટોરાં પણ સ્ટેડિયમમાં બનાવાશે. દર્શકોની સંખ્યામાં વધારો કર્યા બાદ લોર્ડ્સની દર્શક ક્ષમતા ૩૦,૫૩૦ થઈ જશે.

You might also like