સાક્ષાત ભગવાન વિષ્ણુ વસે છે પીપળામાં

આપણાં ધર્મશાસ્ત્રોમાં જેની ખૂબ પવિત્ર વૃક્ષ તરીકે ગણના થાય છે તે વૃક્ષ પીપળો છે. પીપળાનું આયુષ્ય હજાર વર્ષ ઉપર હોય છે. પીપળાની અંદર સાક્ષાત્ ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. પીપળાના મૂળમાં બ્રહ્માજી, વચ્ચેના થડમાં ભગવાન વિષ્ણુ તથા છેક ટોચ ઉપર ભગવાન શંકર વસે છે. આ પીપળામાં દરેક પાને પાને સૃષ્ટિમાં વસતા તમામ દેવી દેવતાઓ વસે છે.

આપણાં પવિત્ર વૃક્ષોમાં પીપળો મુખ્ય ગણાય છે. આ પીપળા સાથે એટલી પવિત્ર ભાવના સંકળાયલી છે કે આપણે તેનું પૂજન કરીએ છીએ. હવન યજ્ઞમાં તેનાં સમિધા ઉમેરીએ છીએ. પીપળા વિષે એવું કહેવાય છે કે, ભગવાન બુદ્ધને આ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. એટલે પીપળાને ‘બોદ્ધિવૃક્ષ’ નામથી પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં, પીપળાની પવિત્રતા મશહૂર છે. આ વખતે આપણા આ પવિત્ર પૂજનીય વૃક્ષનાં ઔષધિય ગુણકર્મો અને ઉપયોગો વિશે આયુર્વેદની દૃષ્ટિએ થોટું જાણીએ.

ગુણધર્મઃ પીપળો ભારતમાં સર્વત્ર થાય છે. તેનું વૃક્ષ ખૂબ ઊંચું અને ઘણાં મોટા વિસ્તારમાં થાય છે. પીપળો પવિત્ર હોવાથી હિન્દુઓ આ વૃક્ષને કાપતાં નથી અને તેના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરતા નથી.

આયુર્વેદ પ્રમાણે પીપળો તૂરો અને મધુર, શીતળ, ભારે, કફ અને પિત્તશામક, વર્ણ સુધારનાર, સોજો ઉતારનાર, પીડાશામક તથા રક્તશુદ્ધિકર છે. તેનાં પાકાં ફળ હૃદય માટે હિતકારી, શીતળ, કફ, પિત્તનાશક, બળતરા, ઊલટી અને અરુચિ મટાડનાર છે. તેની લાખ કડવી, તૂરી, બળકર, પચવામાં હ‍ળવી ફ્રેકચરને જોડનાર, રંગ સુધારનાર, શીતળ તથા કફ, પિત્ત, શોષ, ઉધરસ, રક્તસ્ત્રાવ, છાતીમાંથી લોહી પડવું, દમ, રક્તના રોગો અને બળતરાને મટાડે છે. તેની છાલ બળપ્રદ, વાજીકર અને રક્તસ્ત્રાવને અટકાવનાર છે.રાસાયણિક દૃષ્ટિએ પીપળાની છાલમાંથી ટેનિન ૪ ટકા, રબર તથા મીણ મળી આવે છે.

ઉપયોગો: પીપળાની લાખમાં રક્તસ્ત્રાવને મટાડવાનો ઉત્તમ ગુણ રહેલો છે. નાક, છાતી, આંતરડા વગેરે શરીરના કોઈપણ આંતરિક કે બ્રાહ્ય ભાગમાંથી લોહી પડતું હોય તેમાં પીપળાની લાખ અડધી અડધી ચમચી સવાર સાંજ ઘી અને સાકરમાં કલાવીને દૂધ સાથે પીવાથી લાભ થાય છે. પીપળાની લાખ બોરડીની લાખખ કરતાં પણ કિંમતી ગણાય છે. પીપળાના પાનમાં પણ રક્તસ્ત્રાવને અટકાવવાનો ગુણ રહેલો છે. આયુર્વેદના મહર્ષિ સુશ્રુતે પીપળાનો એક વાજીકરણ પ્રયોગ આ પ્રમાણે બતાવ્યો છે. પીપળાના મૂળ, થડની છાલ, પાન, ફળ અને શુંગ (પાન નીકળતાં પહેલાની અવસ્થા) આ પાંચ અંગો સમાન વજને લઈ ચૂર્ણ બનાવી લેવું. એક ચમચી જેટલું આ ચૂર્ણ દૂધમાં ઉકાળીને, દૂધને ગાળી, ઠંડુ પાણી તેમાં પીવું.

આ ઉપચારથી ઉકાળીને દૂધને ગાળી, ઠંડુ પાડી તેમાં પીવુ. આ ઉપચારથી સારી સંભોગ-શક્તિ આવે છે. આ સરળ ઉપચાર વાજીકરણ ઉપરાંત જનરલ ટોનિક સમાન પણ છે.

દમ, જૂની શરદી, ઉધરસ વગેરેમાં પીપળાની છાલનું ચૂર્ણ ઉત્તમ પરિણામ આપે છે. ગાયનાં દૂધની ખીર બનાવી તેનાં એક ચમચી જેટલું પીપળાની છાલનું ચૂર્ણ નાંખીને લેવાથી દમ, શરદી વગેરેમાં ફાયદો થાય છે. આ રીતે સાત દિવસ સુધી રોજ રાત્રે ખીર બનાવી તેનું સેવન કરવું. પીપળો રસાયન એટલે  કે વૃદ્ધાવસ્થાને અવરોધનાર છે.

You might also like