અપાર સિદ્ધિ આપનારા ભગવાન વિનાયક…..

શુભ પ્રસંગોનો શુભારંભ જેમની સ્તુતિ સાથે થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદશ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશ ઉત્સવ સાથે રાષ્ટ્ર એકતાનો મહાન ઉદ્દેશ્ય પણ જોડાયેલો હોવાથી તેનું વિશેષ માહાત્મ્ય છે

આમ તો સિદ્ધિ વિનાયક દુનિયાના દરેક ખૂણામાં બિરાજે છે, પરંતુ મુંબઈના સિદ્ધિ વિનાયકમાં લોકોની શ્રદ્ધા અતૂટ છે. સિદ્ધિ વિનાયક ગણપતિનું બહુ લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજીની જે પ્રતિમાની સૂંઢ જમણી બાજુ વળેલી હોય તે સિદ્ધપીઠ સાથે જોડાયેલી હોય છે તેથી તે ગણેશ સિદ્ધિ વિનાયક કહેવાય છે. મુંબઈમાં આવેલું સિદ્ધિ વિનાયકનું મંદિર ભારતનાં પ્રાચીન અને સમૃદ્ધ મંદિરમાંનું એક છે.

આ મંદિરનું નિર્માણ ૧૯ નવેમ્બર, ૧૮૦૧માં કરવામાં આવ્યું હતું. પાંચ માળમાં બનેલા આ મંદિરના ગર્ભગૃહ પર સુવર્ણ શિખરવાળો ચાંદીનો મંડપ છે જેમાં સિદ્ધિ વિનાયક બિરાજે છે, નીજ મંદિરની છત સુવર્ણ પ્લેટથી બનેલી છે. તેમજ ગર્ભગૃહ સુધી પહોંચવા માટે ત્રણ લાકડાના દરવાજા છે જેના પર અષ્ટવિનાયક, અષ્ટલક્ષ્મી અને દશાવતારની સુંદર આકૃતિઓ કંડારાયેલી છે. સિદ્ધિ વિનાયકની સુંદર મંગલમય પ્રતિમા અહીં આવનાર ભક્તોના મનને ભાવવિભોર કરી દે છે અને જીવનમાં સિદ્ધિ મેળવવાની, વિજયી થવાની આશિષ પ્રાપ્ત કરવા વિનાયકને શરણે રોજ હજારો ભક્તો આવે છે અને મંગલમૂર્તિની આશિષ મેળવીને ધન્યતા પ્રાપ્ત કરે છે.

આ રીતે ગણેશનું મંગલમય સ્વરૂપ જ માનવીને આદર્શ વ્યવહારનો દિવ્ય સંદેશ આપે છે તો તેમની મનોહારી મૂરત રિદ્ધિ,સિદ્ધિ અને અષ્ટ નવનિધિની આશિષ આપીને સંકટોને હરીને ભક્તોના જીવનને સરળ, સુંદર અને સમૃદ્ધ કરી દે છે. શિવપુરાણની રુદ્રસંહિતાના ચોથા ખંડ અનુસાર ગણેશનું સર્જન પાર્વતીજીના ઉબટનમાંથી કરવામાં આવ્યું હતું. પાર્વતીને સ્નાન કરવા જવું હતું અને બહાર દ્વારપાળ તરીકે કોઈને બેસાડવા માટે તેમણે પોતાના ઉબટનમાંથી બાળક ગણેશનું સર્જન કર્યું અને તેમાં પ્રાણ રેડયા.

માતા પાર્વતીએ પુત્ર ગણેશને સૂચના આપી કે હું અંદર સ્નાન કરું છું તો કોઈને પ્રવેશવા ન દેશો ત્યારે થોડા સમય બાદ મહાદેવ આવ્યા, ત્યારે ગણેશજીએ શિવજીને રોક્યા. શિવજીએ બહુ સમજાવવા છતાં માતૃ આજ્ઞાનું પાલન કરવા માટે મહાદેવને પ્રવેશ ન આપ્યો ત્યારે મહાદેવનું અપમાન શિવગણોથી સહન ન થયું અને શિવગણોએ તેની સાથે ભયંકર યુદ્ધ કર્યું, પરંતુ બાળક ગણેશને હરાવી શકાય તેમ ન હતું તેથી ક્રોધે ભરાયેલા શિવજીએ તેનું મસ્તક ત્રિશૂલથી કાપી નાખ્યું.

પરિણામ સ્વરૂપ પુત્રવધથી માતા પાર્વતી ક્રોધિત થયાં અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી તેમણે પ્રલય કરવાનું વિચારી લીધું ત્યારબાદ માતા જગદંબાની સ્તુતિ કરવામાં આવી અને તેને શાંત કરીને શિવજીએ ઉત્તર દિશામાંથી આવતા ગજનું માથું કાપીને ગણેશને ધડ પર મૂકીને તેના દેહમાં ફરી પ્રાણ ફૂંક્યા. તેથી તે ગજાનન કહેવાયા.

You might also like