મર્યાદા પુરુષોત્તમઃ ભગવાન શ્રીરામ, લોકોમાં આજે પણ રામ રાજ્યની ઝંખના…

રામ નવમી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નોમને રામ નવમીના પર્વ તરીકે ઊજવવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુએ રામના સ્વરૂપમાં ઘરતી ઉપર અવતાર લીધો હતો. રામ નવમીના અવસર પર તેમના જીવનના આદર્શોને આપણા જીવનમાં ઉતારીએ.

ભારતીય ઉપખંડમાં દરેક તહેવારોને વિશેષ મહત્વ આપવામાં આવે છે, જેમાં રામ નવમીનું પણ આગવું મહત્વ છે. હિંદુ ધર્મનાં શાસ્ત્રો મુજબ જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવિ થવા લાગી છે, ત્‍યારે ભગવાન રામે તેમને પરાસ્‍ત કરવા માટે ધરતી પર જન્‍મ લીધો હતો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નોમ. શ્રીરામના આ જન્‍મ દિવસને ઉત્તરથી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામ નવમી તરીકે આજે પણ ધામધૂમથી ઊજવે છે.

રામ નવમી માત્ર રામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની આપણને યાદ અપાવે છે, જેમાં એ વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્ની, નાનાભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવાની સાથે પોતે એક મર્યાદા પુરુષોતમ તરીકેનું જીવન વ્‍યતિત કર્યુ હતું.

ભગવાન રામના આદર્શોને જીવનમાં ઉતારવા જોઈએ
રઘુવંશી રામ અયોધ્યાના રાજકુમાર હોવા છતાં તેમણે પોતાના પિતાના વચનોને પૂરા કરવા માટે સંપૂર્ણ વૈભવને ત્યાગી ૧૪ વર્ષ માટે વનમાં જતા રહ્યા હતા. જ્યારે આજના જમાનામાં લોકો વૈભવની લાલચમાં પુત્ર પોતાનાં માતા પિતા માટે અળખામણા બની ગયા છે. વૈભવને મેળવવા કે પૈસા કમાવવા માતા પિતાને છોડીને દૂર નીકળી જાય છે.

આ ઉપરાંત તુલસીદાસજીના રામચરિતમાનસમાં ભગવાન રામના જીવનનું વર્ણન બતાવવામાં આવ્યું છે. જેમાં શ્રીરામ દરરોજ સવારે પોતાના માતા પિતાનાં ચરણસ્પર્શ કરતા હતા, જ્યારે બાળકો આજે ચરણસ્પર્શ તો દૂર પણ માતા પિતા સાથે વાત પણ નથી માનતા. પરિસ્થિતિ એ છે કે, મહાપુરુષોનો આદર્શ ફક્ત ટીવી ધારાવાહિક અને પુસ્તકો પૂરતા જ સીમિત રહી ગયા છે.

નેતાઓએ પણ સત્તા મેળવવા માટે રામના નામની મદદ લઈને ધર્મની આડમાં મત એકત્ર કર્યા છે, પણ રામના ગુણો ન અપનાવી શક્યા. જો રામની સાચી આરાધના કરવી હોય અને રામરાજ્ય સ્થાપિત કરવું છે, તો ‘જય શ્રીરામ’ના ઉચ્ચારણ પહેલા તેમના આદર્શો અને વિચારોને જીવનમાં ઉતારવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, રામ નવમીના પાવન દિવસે સંવત ૧૮૩૭માં અયોધ્યા પાસેના છપૈયા ગામમાં રાત્રે ૧૦ વાગ્યે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી જ આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તેમના દેશ વિદેશના મંદિરોમાં ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવનો ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે.•

You might also like