દેવ-દાનવ-માનવ અને ભૂત-પિશાચ સર્વને અપનાવનાર એટલે શિવ

શિવ તો અજન્મા છે. તેમનો જન્મ થયો નહોતો, પરંતુ તે સ્વયંભૂ (એટલે કે આપોઆપ) પ્રગટ્યા હતા, આથી તે સ્વયંભૂ દેવ તરીકે ઓળખાવા લાગ્યા અને કાળક્રમે શબ્દનો અપભ્રંશ થતાં શંભુદેવ તરીકે જાણીતા થયા. શિવજીને થોડું આપો તો પણ ઘણું માને છે.

બીલીપત્ર અને લોટો ભરી ગંગાજળ લઈને હર હર મહાદેવ બોલતાં અભિષેક કરો તો પણ શિવજી પ્રસન્ન થાય છે. રાજભોગ તો કદી કરતા જ નથી. ભગવાન શંકરનાં ભક્તગણમાં આખું વિશ્વ આવે છે. ભોળાનાથની નજરમાં સુર કે અસુર જેવો કોઈ ભેદભાવ નથી, જે સાચા મનથી શિવજીની ભક્તિ કરે છે તો શિવજી જરૂર તેની મનોકામના પૂર્ણ કરે છે.

શિવજીના દરબારમાં સર્વને પ્રવેશ મળે છે. ઋષિઓ, દેવો, દાનવો, રાક્ષસો, ભૂત પિશાચ સર્વ શિવ પાસે આવે છે.
શિવજી બધાને અપનાવે છે. જગત જેનો ત્યાગ કરે તેને શિવ અપનાવે છે. શિવ સ્વરૂપ મંગળમય છે. જગત શુભ અને અશુભ બંનેનું મિશ્રણ છે. આ બંનેના સ્વામી શિવજી છે. જીવમાત્ર પર તેમની કૃપા દૃષ્ટિ છે.

મથુરામાં ભૂતનાથ મહાદેવ છે. ત્યાં દિવસે બ્રાહ્મણો પૂજા કરે છે અને રાતે ભૂતો પૂજા સેવા કરે છે. શિવજીનો દરબાર બધા માટે ખુલ્લો ના હોત તો બિચારા ભૂત પિશાચ જાત ક્યાં? રામજીના દરબારના દરવાજે હનુમાનજી ગદા લઈને ઊભા છે. “રામ દુવારે તુમ રખવારે, હોત ન આજ્ઞા બીન પૈસા રે.”

રામજીનાં દરબારમાં પ્રવેશવા માગતાને હનુમાનજી પૂછે છે કે રામજીની મર્યાદાનું પાલન કર્યું છે? એ પ્રમાણે વર્તન ના કર્યું હોય તો હનુમાનજી ગદા મારીને પાછા કાઢે છે. મોડી રાતે રામજી કે દ્વારકાનાથનાં દર્શન કરવા જાઓ તો તે દર્શન આપશે? પણ શિવજીનાં દર્શન ગમે ત્યારે થઇ શકે. બધા દેવોના દરવાજા બંધ થાય છે, પણ શંકર ભગવાનનો દરવાજો બંધ થતો નથી.

જ્યાં માયાનું આવરણ છે ત્યાં દરવાજો બંધ રાખવો પડે છે. શિવજી શુદ્ધ બ્રહ્મનું સ્વરૂપ છે. શિવજી કોઈ દિવસ શયન કરતા નથી. શિવજી કહે છે કે તને વખત મળે ત્યારે આવ. હું ધ્યાન કરતો બેઠો છું. શંકર ભગવાન ઉદાર છે. જેને અપેક્ષા બહુ ઓછી હોય છે તે ઉદાર થઇ શકે છે. શિવજીને કોઈ વસ્તુની જરૂર નથી, એટલે તે બધું આપી દે છે.

You might also like