સર્પભૂષણ શંકરઃ અર્થાત્ સાપનું આભૂષણ પહેરનાર

ભગવાન શંકરે ગળામાં સર્પ ધારણ કરેલ છે. જગતનું કલ્યાણ કરનાર ભગવાને ગળામાં સર્પનો હાર પહેર્યો છે. ભગવાનને વળી ‘સર્પ’નું આભૂષણ પહેરવાનું શું સૂઝ્યું? એવો પ્રશ્ન વિચારણા માગી લે છે.
સર્પ એ ઝેરી છે, પરંતુ શિવજીએ તેને નિર્વિષ બનાવી પોતાનાં ઘરેણાં તરીકે રાખ્યો છે. સર્પ એ વિકારોનું પ્રતીક છે. કામ, ક્રોધ, લોભ વગેરે વિકારો સાપ જેવા છે. માનવના જીવનની વેલને પોતાના ઝેરથી તેઓ સતત દૂષિત કરતા રહ્યા છે. જો તેનામાંથી ડંખ કાઢી નાખી તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે આભૂષણરૂપ બની જાય છે. મરાઠી ભક્ત કહે છે કે,
‘કામ’ (રાખવો જ હોય તો) ઇશ્વર ભજનમાં રાખો.
‘ક્રોધ’ (કરવો જ હોય તો) ઇન્દ્રિયદમનમાં ક્રોધ કરો.
‘લોભ’ (રાખવો જ હોય તો) હરિપ્રસાદ અને તીર્થગ્રહણ કરવામાં અત્યંત લોભ રાખો.
આપણે પણ જીવનના આ સર્પોને યોગ્ય ધ્યેય સાથે જોડી દઇ તેમાંનું ઝેર કાઢી નાખીને તેનો શણગાર સજી શકીએ.
ભગવાન શંકર પરબ્રહ્મ પરમાત્માની સંહારશક્તિનું પ્રતીક છે. સંહારકારક શંકર પાસે સંહારની સામગ્ર પણ હોવી જોઇએ. સર્પ એ સંહારસામગ્રીનું અને મૃત્યુનું પ્રતીક છે.
પોતાનાં જ બચ્ચાંને ખાઇ જનાર સાપ જેવું સંહાર શક્તિનું બીજું કયું પ્રતીક હોઇ શકે?
માનવના શરીરમાં રહેલી કુંડલિની સર્પાકાર છે અને યોગીઓ આ કુંડલિની શક્તિને જાગ્રત કરવા સતત સાધના કરતા હોય છે. ભગવાન શંકર યોગીશ્વર છે. કુંડલિનીને જાગ્રત કરી તેમને વશ કરી લે છે તે દર્શાવવા જ યોગીરાજ શંકરના ગળામાં કદાચ સર્પનું પ્રતીક મૂક્યું હશે.
વિકારોને વિશ્વંભર સાથે જોડી દઇ તેનું ઉદાત્તીકરણ કરી, જીવન યોગી જેવું બનાવવાનો સૌ કોઇ પ્રયત્ન કરીએ.

You might also like