ચંદ્રશેખર શંકરઃ અર્થાત ચંદ્રને ધારણ કરનાર શિવ

ભગવાન શિવજીએ બીજનો ચંદ્ર મસ્તક પર ધારણ કર્યો છે. પૂનમનો પૂર્ણ ચંદ્ર મસ્તક પર ધારણ ન કરતાં, આ બંકિમ ચંદ્રને શિવજીએ કેમ ધારણ કર્યો હશે?
બીજનો ચંદ્ર પોતાનું સર્વસ્વ લોકોને શીતળતા આપવા લૂંટાવીને આવ્યો છે. તેનામાં પાછું કમાઇ લેવાની હિંમત છે. તે કર્તૃત્વશીલ છે. તે કર્મયોગીનું પ્રતીક છે. અને તેથી જ પ્રભુએ તેને મસ્તક પર ધારણ કરેલ છે.
ચંદ્ર એ મનનું પ્રતીક છે. મન એટલે સંકલ્પો અને વિકલ્પો સતત કર્યા કરતું હોવાને કારણે મન ચંચળ છે. યોગીએ મનની આ ચંચળતાને ક્ષીણ કરી નાખવાની છે. અને તેની રેખા બીજના ચંદ્ર જેટલી પાતળી કરી સ્થિરતા પ્રાપ્ત કરવાની હોય છે.
યોગેશ્વર ભગવાન શંકરના મસ્તક ઉપરની બીજના ચંદ્રની પાતળી રેખા મનની ચંચળતાને ક્ષીણ કરી નાખવાની સતત પ્રેરણા આપતી રહી છે.
આપણે પણ આપણું જીવન એવું કર્તૃત્વશીલ બનાવીએ કે ભગવાન શંકર આપણને પણ તેના મસ્તક ઉપર ધારણ કરે!
નીલકંઠ શંકરઃ
ભગવાન શિવજી નીલકંઠ છે. સમુદ્રમંથનમાંથી નીકળેલું હળાહળ ઝેર તેમણે પીધું અને તે તેમણે કંઠમાં ધારણ કર્યું. દેવોએ અમૃત લીધું હતું. અમૃત તે દેવ. પણ વિષ લે તે મહાદેવ. આ વિષને પ્રભુએ કંઠમાં રાખ્યું અને તેથી તે નીલકંઠ કહેવાયા. વિષને બહારી કાઢી તેમણે જગતને દૂષિત કર્યું નથી. અને ઝેરને ગળા નીચે ઉતારી પોતાને પણ નુકસાન કર્યું નથી. ‘સ્વ’ અને ‘સર્વ’ને સાચવવા વિષ કંઠમાં રાખી પ્રભુએ આપણે મહાન માર્ગદર્શન આપ્યું છે. જીવનમાં ઝેરના ઘૂંટડા પીવાનો વારા આવે તો દોષોના એ ઝેરને ક્યાં સંઘરવું તે શિવજી આપણે શીખવે છે. બીજું, એમ ગીતામાં કહી ભગવાને પોતે હૃદયમાં વાસ કરે છે તેમ જણાવ્યું છે. વિષનો ઘૂંટડો ગળાની નીચે ઊતારતાં તે હૃદયમાં વસતા પ્રભુને વ્યથાકારક બને.
ભગવાન શિવજી અને વિષ્ણુની એકબીજા પ્રત્યેની અનન્ય ભક્તિ પુરાણો અને શાસ્ત્રોમાં ઠેરઠેર વર્ણવી છે. હૃદયમાં વસતા વિષ્ણુને કષ્ટદાયક ન બને તેથી જ ભગવાન શિવજીએ વિષના ઘૂંટડાને ગળામાં સંઘળી રાખ્યો છે. આપણે પણ આ નીલકંઠ શંકરનાં દર્શન દ્વારા, જીવનમાં દોષોના ઝેરને ગળામાં સંઘળી રાખી ‘સ્વ’ અને ‘સમાજ’, વ્યષ્ટિ અને સમષ્ટિને સાચવનારા બનીએ! હૃદયમાં વસતા પ્રભુને કષ્ટદાયક થાય તેવું કોઇ વિષ ગળાની નીચે જ ન ઊતરવા દઇએ!•

You might also like