ભગવાન શ્રીરામ

રામ એ ભારતીય સંસ્કૃતિનું પ્રાણકેન્દ્ર છે. ભારતની જનતાના હૃદયના સમ્રાટ છે શ્રીરામ. ભારતના લોકો માટે ‘રામ’ એ ફક્ત અક્ષરો નથી, પણ આસ્થા છે. ‘રામ’ એ ભારતીય જન માટે સાક્ષાત્ ઇશ્વરનો પર્યાય છે અને આ પ્રભુરૂપે જ રામ સૌના જીવન સાથે એકરૂપ અને ઓતપ્રોત થઇ ગયેલ છે અને તેથી જ ‘રામ રાખે તેને કોણ ચાખે’, ‘રામ રાખે તેમ રહીએ’, ‘રામભરોસે’, ‘ઘટઘટમાં રામ વસે છે’ વગેરે પ્રકારના શબ્દપ્રયોગોનો ઠેરઠેર ઉપયોગ થતો જોવા મળે છે.
રામનામનો મહિમા
રામનામનો મહિમા ભારતના સંતો અને મહાત્માઓએ મન મૂકીને ગાયો છે. ‘રામ’ શબ્દમાં ‘ર’ અને ‘મ’ બે અક્ષરો આવે છે. ‘ર’ એ ‘રેફ’ રૂપે અક્ષરોના છત્ર તરીકે અને ‘મ’ એ અનુસ્વાર રૂપે અક્ષરોના મુકટમણિ તરીકે શોભે છે. આમ રેફનું છત્ર અને અનુસ્વારનો મુકટ હરહંમેશ અક્ષરોના માથા પર જ વિરાજે છે. સમગ્ર અક્ષરમાળાથી વ્યક્ત થતા આ જગતના ‘છત્ર’રૂપ અને ‘મુકટ’રૂપ પ્રભુ ‘રામ’ છે. એક સ્થાને સંત તુલસીદાસ કહે છે-
તુલસી ‘રા’ કે કહત હિ,
નિકસત પાપ બહાર ।
ફિર આવન પાવત નહીં,
દેત ‘મ’ કાર કિવાર ।।
‘રામ’ શબ્દ ઉચ્ચારણમાં ‘રા’ બોલતી વખતે હોઠ ખુલ્લા રહે છે અને મોઢું પણ પૂર્ણ ખૂલી જાય છે, જ્યારે ‘મ’ બોલતી વખતે બે હોઠ ભેગા થાય છે અને મોઢું બંધ થઇ જાય છે. તુલસીદાસ કહે છે કે ‘રામ’ બોલતી વખતે ‘રા’ બોલતાં જ મોઢું ખૂલી જાય છે અને બધું જ પાપ બહાર નીકળી જાય છે અને પછીથી તે પાપ આપણામાં ફરી પ્રવેશી શકતું નથી, કારણ કે ‘મ’ બોલતાંની સાથમાં બંને હોઠ ભેગા થતાં મોઢાના દરવાજા બંધ થઇ જાય છે અને નીકળેલું પાપ બહાર જ રહી જાય છે. રામના જપથી શરીરમાંથી જીવનમાંથી પાપો નીકળી જાય છે અને ફરી પ્રવેશ નથી પામતાં તે કેટલી સુંદર રીતે સમજાવ્યું છે.
અન્ય એક સ્થળે કહ્યું છે,
રામનામ ‘એક’ અંક હૈ, સબ સાધન હૈ ‘શૂન’ ।
અંક ગયે કછુ હાથ નહીં, અંક રહે દસગુન ।।
‘રામ’ એ ‘એક’ છે, જ્યારે બાકીનાં બધાં સાધનો ‘શૂન્ય’ એટલે કે ‘મીડાં’ છે. એકડો ન હોય તો બાકીનાં સાધનોની કશી કિંમત નથી, પણ ‘એક’ હોય તો તેના સહવાસથી ‘શૂન્યરૂપી’ બધાં જ સાધનોની દસગણી કિંમત છે. ‘રામ’ને છોડી સુખ સાધનો પાછળ દોડનારાએ સમજવા જેવું છે કે તેમની દોટ એ ‘મીડાં’ પાછળની દોટ છે. પ્રથમ ‘એક’ને પકડવાની જરૂર છે. ‘એક’ રામની પ્રાપ્તિ પછી તેની પાછળનું પ્રત્યેક સાધન મીડું દસગણી કિંમતનું થતું જાય છે. ‘રામ’નું નામ તો સૌ કોઇ જપે છે, પણ તે જપની સાથે ‘રામ’નું જીવન જેમના ધ્યાનમાં આવતું
નથી તેના જપથી તેમને જરૂરી સિદ્ધિ મળતી નથી.

You might also like