દેવાધિદેવ મહાદેવનાં મંગલ સ્વરૂપ

સૃષ્ટિની રચનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ભૂમિકા શક્તિ તત્ત્વ સાથે સંકળાયેલી છે. બ્રહ્મા સર્જન, વિષ્ણુ પોષણ અને મહેશની સંહારાત્મક ભૂમિકા હોવાને કારણે દેવાધિદેવ મહાદેવનું સ્થાન વિશિષ્ટ છે, જેથી દેવતાઓના તમામ અવતારોએ મહાદેવની પૂજા કરી ભોળા શંભુને રીઝવ્યા છે. ઋષિ મુનિઓએ પણ મહાદેવને રીઝવી અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પ્રાપ્ત કરેલ છે. જળના એક લોટાથી રિઝનાર ભોળા શંભુનો સૌથી વધુ લાભ રાક્ષસોએ ઉઠાવ્યો છે. ભક્તોને શીઘ્ર પ્રસન્ન થનાર ભોળાનાથનું એક નામ આશુતોષ છે. આશુતોષ એટલે જલદી પ્રસન્ન થનાર. ભવાની શંકરની કૃપા વિના અનુગ્રહ થતો નથી. સંસારના ગુરુ શંકર સર્વદા કલ્યાણ કરવાવાળા છે. તેમનું સ્વરૂપ અને મહિમા ભક્તજનોએ સમજવા જેવો છે.

(૧) ત્રિનેત્રઃ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ ત્રણ નેત્ર છે. અગ્નિની વ્યાપ્તિ સૂર્ય મંડળમાં છે, જે તેમનું મસ્તક છે.
(૨) સોમ, ચંદ્રઃ સોમની ત્રણ અવસ્થા છે. સોમ અપ વાયુ છે. મસ્તક ઉપર ચંદ્રની કમળમાં જટા અને ગંગાજી છે. શિવજીનું નામ વ્યોમકેશ છે. આકાશ વાયુ રૂપથી વ્યાપ્ત હોઇ અાકાશ જટા છે.
(૩) ત્રિશૂળઃ દુષ્ટોનું દમન કરી આદ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણેય તાપોનું નાશ કરનારું ત્રિશૂળ શિવ શક્તિનું અમોઘ શસ્ત્ર છે.
(૪) ડમરુંઃ નાદ બ્રહ્મનું પ્રતીક અને શિવ તાંડવનું વાદ્ય છે.
(૫) મૃગચર્મઃ કૃષ્ણ મૃગ યક્ષનું સ્વરૂપ છે. ચંચલતા નષ્ટ કરી કાર્યસિદ્ધિ આપનારું છે. જેથી શિવે આસનરૂપે ધારણ કરેલ છે.
(૬) વ્યાઘાંબરઃ નૃસિંહ અવતારની યાદમાં ભગવાનના દેહની ખાલ ધારણ કરી છે.
(૭) સર્પ ધારણઃ શિવજીના મંગળ તેમજ અમંગળ બંને સ્વરૂપ છે. શિવજી સંહારકર્તા હોવાથી સંહારની સામગ્રીરૂપે સર્પ ધારણ કરેલ છે. સર્પ કુંડલિનીના આકારરૂપે સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે. વેદોમાં તેને નાગ સર્પના વ્યવહાર તરીકે વર્ણવેલ છે, જેથી શિવજીએ કુંડલીની જ્ઞાનના પ્રતીકરૂપે, તમોગુણ અને દુર્ગુણોના સંહારાર્થે સર્પ ધારણ કરે છે.
(૮) મુંડમાલાઃ જગદંબાના આર્વિભૂત ૧૦૮ અવતારોના મસ્તકની ખોપરીમાં જ્ઞાનનો ભંડાર ભર્યો છે. વળી તે દ્વારા મૃત્યુનું પળેપળ સ્મરણ થાય છે. સૃષ્ટિના અંતે શિવજી જ રહે છે, જેથી તેમણે મુંડમાલા સહિત સ્મશાનવાસ જ પસંદ કરેલ છે.
(૯) શ્વેતવર્ણઃ જ્ઞાનસ્વરૂપ છે. કૃત્રિમ નથી. નિર્લેપતાની નિશાની છે. તેના પર ગમે તેવો રંગ ચઢી શકે છે એટલે શિવજીએ હિમાચ્છાદિત પ્રદેશ સહિત નિત્ય નિર્મળ શુભ્ર સ્વચ્છ શ્વેતવર્ણ ધારણ કરેલ છે.
(૧૦) ભસ્મઃ સૃષ્ટિના પ્રલયકાળે સર્વનાશ થઇ કેવળ શ્વેત ભસ્મ જ રહેવાની જે પ્રલયની સ્મૃતિરૂપ વિશ્વબોધ માટે શિવજી હંમેશાં ધારણ કરે છે.
(૧૧) વિષ પાનઃ શરીર બ્રહ્માંડમાં વિષ અને અમૃત બંનેને ગુપ્ત રાખે છે. ચંદ્રમા અમૃતરૂપ છે. સૃષ્ટિના કલ્યાણ માટે શિવે તેને મસ્તક ઉપર ધારણ કરેલ છે, જ્યારે વિષના અંદર કે બહારના કાળથી જગતને બચાવવા શિવે કંઠ મધ્યે ધારણ કરી શિવજી નીલકંઠ કહેવાયા.
(૧૨) વૃષભ વાહનઃ વૃષભને શાસ્ત્રોમાં ધર્મ તરીકે વર્ણવ્યો છે. તેમાં સત્ત્વગુણ પ્રધાનતા હોઇ શિવજીએ વાહન તરીકે પસંદ કરેલ છે.
(૧૩) લિંગ પૂજાઃ લિંગ નિરાકાર છે, જળાધારી માયા પ્રકૃતિ સ્વરૂપ છે. વાસ્તવમાં પ્રકૃતિ અને પુરુષની પૂજા તે જ લિંગ પૂજા છે.•

You might also like