ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદ

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓડિશાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.અમદાવાદમાં પણ અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે.

અહીં ૧૪૧ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૮માં યોજાતી રથયાત્રા ૧૪૧મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડિયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે.

આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પિત્તળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે.

ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથ સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતીય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.

ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬,૧૦૮ રાણીઓએ રોહિણી માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલ્યાં જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભાં રાખ્યાં અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતાં.

પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભાં છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા.

તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી.•

You might also like