રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂઃ સોના વેશમાં જગન્નાથ

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રાને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે સવારે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને સોનાના અલંકારો અને વેશ પહેરાવવામાં આવ્યા હતા. ખલાસી ભાઇઓની હાજરીમાં મંદિરના પરિસરમાં રથ લાવી અને રથનાં દોરડાંનું વિધિવત્ રીતે પૂજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાને લઇ પ્રસાદીરૂપે આપવામાં આવતાં માલપુઆ બનાવવામાં આવી રહ્યા છે.

ગઇ કાલે ભગવાન પોતાના ભાઇ અને બહેન સાથે મોસાળમાંથી પરત ફર્યા બાદ તેઓની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. ઉપરાંત વિશિષ્ટ પૂજન અને આરતી કરવામાં આવ્યાં હતાં. પરંપરા મુજબ આજે ભગવાનને સોનાનાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં હતાં. ઉપરાંત સોનાના અલંકારો પણ પહેરાવાયાં હતાં.

સોના વેશ ધારણ કરેલા ભગવાનનાં દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર જગન્નાથ મંદિરે ઊમટ્યું હતું. રથને ખેંચવા માટે દોરડાંનું પૂજન કરવામાં આવે છે. આજે સવારે મહંત દિલીપદાસજી દ્વારા ખલાસી ભાઈઓની હાજરીમાં રથનાં દોરડાં બાંધવાના ખીલાનું પૂજન કરીને દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. પ્રસાદીરૂપે આપવામાં આવતા માલપુઆનાં રસોડાં પણ જગન્નાથ મંદિરમાં ધમધમી રહ્યાં છે.

You might also like