બિટકોઈન કાંડ: નલિન કોટડિયા સામે લુકઆઉટ નોટિસ

અમદાવાદ: સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટના બિટકોઇન પડાવવા મામલે હવે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે સીઆઇડી ક્રાઈમે સકંજો કસતાં લુકઆઉટ નોટિસ જારી કરી છે. દેશભરના એરપોર્ટ પર જાણ કરવામાં આવી છે કે જો નલિન કોટડિયા દેખાય તો તે અંગે સીઆઇડી ક્રાઇમને જાણ કરવામાં આવે અને તેઓને પ્રવાસ કરતા અટકાવવામાં આવે. આગામી દિવસોમાં જો નલિન કોટડિયા નહીં મળી આવે તો તેમની મિલકત જપ્ત કરવા સુધીની કાર્યવાહી પણ સીઆઇડી ક્રાઈમે કરવાની તજવીજ હાથ ધરી છે.

શૈલેશ ભટ્ટનાં બિટકોઇન પડાવવા માટે તેમનું અપહરણ અને બિટકોઈન કરી પૈસા મેળવી લેવાના કેસમાં કિરીટ પાલડિયાની ધરપકડ બાદ નલિન કોટડિયાનો કેસમાં રોલ સામે આવતા સીઆઇડી ક્રાઈમે નલિન કોટડિયાને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. ત્રણ ત્રણ વખત સમન્સ મોકલવા છતાં કોટડિયા સીઆઇડી સમક્ષ હાજર ન રહેતાં હવે સીઆઇડીએ તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

બીજી તરફ ગઈકાલે સીઆઈડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી બિટકોઇન કેસની એસઆઈટીની મિટિંગ યોજાઈ હતી. ડીઆઈજી દીપાંકર ત્રિવેદી, એસપી, બે ડીવાયએસપી, બે પીઆઈ, પીએસઆઇ અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર રહ્યા હતા. નલિન કોટડિયાની ધરપકડ માટે રણનીતિ ઘડવામાં આવી હતી. સીઆઇડી ક્રાઈમે સકંજો કસતાં લુકઆઉટ નોટિસ જારી કરી છે. દેશભરના એરપોર્ટ પર જાણ કરી છે ઉપરાંત તેમની મિલકતો જપ્ત કરવા સુધીની રણનીતિ ઘડવામાં આવી છે.

ત્રણ વાર સમન્સ મોકલવા છતાં કોટડિયા હાજર ન થતાં સીઆઇડીએ અલગ અલગ ટીમો બનાવી અને તેમના સંભવિત સ્થાનો ઉપર સર્ચ ઓપેરેશન શરૂ કર્યું હતું. અલગ અલગ જગ્યાએ દરોડા પાડી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સીઆઇડીએ તેમની પત્નીનું પણ નિવેદન નોંધ્યું હતું. કિરીટ પાલડિયાની ધરપકડ બાદથી કોટડિયા ગાયબ છે.

૭ મેના રોજ કોટડિયાનો પ્રથમ પત્ર બહાર આવ્યો હતો જેમાં તેમણે પોતાના એન્કાઉન્ટરનો ભય વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ હાલમાં જ નલિન કોટડિયાના વધુ બે પત્ર બહાર આવ્યા હતા. પ્રથમ પત્રમાં નલિન કોટડિયાએ સીઆઈડી સમક્ષ હાજર થવા માટે ૧૨મે સુધીની મુદત માગી હતી અને શૈલેશ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા પણ અરજી કરી હતી.

જ્યારે બીજા પત્રમાં હત્યાની દહેશત વ્યક્ત કરીને તેમણે કહ્યું કે મારા પરિવારે જ કહ્યું કે આવા લોકોને ખુલ્લા પાડો. આવા લોકોને સમાજ સજા કરશે. આ સાથે પત્રમાં લખ્યું છે કે બિટકોઈન મામલે રાજકીય મોટા માથાનું નામ યોગ્ય સમયે જાહેર કરીશ.

પત્રમાં કોટડિયાએ લખ્યું હતું કે મારી પાસે શૈલેશ ભટ્ટની ઓડિયો ક્લિપ છે અને આ ઓડિયો ક્લિપ મેળવવા માટે નેતાઓ અને શૈલેશ ભટ્ટ મને શોધી રહ્યા છે. પુરાવાનો નાશ કરવા મારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે. જો મારી હત્યા થશે તો આ લોકો જ જવાબદાર હશે. બિટકોઈન કૌભાંડમાં મોટાં માથાંની સંડોવણી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ધરપકડ વોરંટ મેળવ્યા બાદ હવે સીઆઇડી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી રહી છે.

નલિન કોટડિયાની ધરપકડ બાદ અનેક ખુલાસા થાય તેવી શક્યતા જણાઈ રહી છે. સીઆઈડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે નલિન કોટડિયા સામે લુકઆઉટ નોટિસ જારી કરી દેવામાં આવી છે.

You might also like