આતંકવાદ સામેની જંગમાં ભારત બ્રિટનની સાથેઃ મોદી

લંડન: બ્રિટનની રાજધાનીમાં ગઈ કાલે થયેલા આતંકવાદી હુમલામાં સંસદ પરિસર બહાર એક પોલીસ અધિકારીની ચાકુ મારી હત્યા કરવામાં આવી હતી તેમજ આ ઘટનામાં કુલ પાંચ લોકોનાં મોત થયાં હતાં અને ર૦ને ઈજા થઈ હતી. આતંકવાદી હુમલા અંગે વડા પ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત બ્રિટનની સાથે જ છે.

લંડન ખાતેના ભારતીય હાઇકમિશને ગઈ કાલે થયેલા આતંકવાદી હુમલા બાદ આ ઘટનામાં ફસાયેલા કોઈ પણ ભારતીયની મદદ માટે વિશેષ લોક પ્રતિક્રિયા એકમની રચના કરી છે, જ્યારે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે લંડનમાં તમામ ભારતીયો સુરક્ષિત છે. આતંકવાદી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે બ્રિટનનાં વડા પ્રધાન થેરેસા મે સાથે વાત કરી હતી અને આ હુમલામાં સંડોવાયેલા આરોપીઓને કાનૂનના દાયરામાં લાવવા તેમની સરકાર પૂરતો સહકાર આપશે તેવી ખાતરી આપી હતી તેમજ આતંકવાદ સામે લડત ચલાવવા અમેરિકા પણ લંડનને પૂરતો સહકાર આપશે તેવી ખાતરી આપી હતી.

લંડન ખાતે થયેલા આતંકવાદી હુમલા અંગે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે તેઓ આ અંગે ત્યાંના ભારતીય હાઇકમિશનના સતત સંપર્કમાં છે અને લંડનમાં રહેલા ભારતીયોને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે, જોકે આ હુમલામાં કોઈ ભારતીયને નુકસાન થયું ન હોવાનું તેમણે જણાવ્યું છે.

બીજી તરફ લંડનના ભારતીય હાઇકમિશન તરફથી એવી સલાહ આપવામાં આવી છે કે તે સંસદ પરિસર તરફ જવાથી દૂર રહે તેમજ આ અંગે મેટ્રોપોલિટન પોલીસની વેબસાઈટ પરથી હુમલા અંગેની માહિતી મેળવતા રહે. ભારતે આ આતંકવાદી હુમલાને વખોડતાં જણાવ્યું છે કે આતંકવાદ માટે લોકશાહી અને સભ્ય સમાજમાં કોઈ સ્થાન નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે ભારત આ હુમલાની આકરી નિંદા કરે છે અને આ ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો. બ્રિટનમાં રહેલા ભારતીય હાઇકમિશને જણાવ્યું છે કે જો આ હુમલામાં કોઈ ભારતીયને ઈજા થઈ હોય તો તે એચસીઆઈ એસએસપીના પબ્લિક રિસ્પોન્સ યુનિટમાં આવી શકે છે. બ્રિટનની સંસદ પર થયેલા આ હુમલાને બ્રિટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
http://sambhaavnews.com/

You might also like