મોદી સરકાર લોકપાલ નીમવા તૈયારઃ ૧લી માર્ચે સિલેકશન કમિટીની બેઠક

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે લોકપાલની નિમણૂક કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારની લોકપાલની નિમણૂક માટે ૧લી માર્ચના રોજ સિલેકશન કમિટીની બેઠક બોલાવી છે. પીએનબીનાં કૌભાંડને લઈને મોદી સરકાર જ્યારે વિરોધ પક્ષોના નિશાન પર છે ત્યારે મોદી સરકાર હવે લોકપાલની નિમણૂક કરવા જઈ રહી છે.

વિરોધ પક્ષ ૫ માર્ચથી શરૂ થઈ રહેલા સંસદનાં બજેટ સત્રમાં ભ્રષ્ટાચારના મુદ્દે સરકારને ઘેરવા કમર કસી રહ્યા છે. સામે પક્ષે વિરોધ પક્ષના હુમલાની ધારને બુઠ્ઠી બનાવવા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારની કડક છાપને અકબંધ રાખવા માટે મોદી સરકાર પણ એકશનમાં આવી ગઈ છે. સરકારની કોશિશ છે કે તે સંસદમાં વિરોધ પક્ષોના આક્ષેપો સામે બચાવના બદલે આક્રમકતા દાખવવામાં આવે.

આ માટે સંસદીય સત્ર શરૂ થવાના ચાર િદવસ પહેલાં જ સરકારે લોકપાલની સિલેકશન કમિટીની બેઠક બોલાવી છે કે જેથી લોકપાલના નામે સર્વાનુમતિ સાધી શકાય. આ બેઠક ૧લી માર્ચના રોજ સાંજે ૫.૦૦ કલાકે વડા પ્રધાનના નિવાસસ્થાને બોલાવવામાં આવી છે. સાથે જ વિપક્ષોના હુમલાનો જવાબ આપવા માટે ભાજપ પોતાના સાંસદોને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉઠાવવામાં આવેલાં પગલાંઓની જાણકારી પણ આપશે.

લોકપાલની સિલેકશન કમિટીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ લોકપાલની નિમણૂકમાં થયેલા વિલંબના બહાને મોદી સરકાર સામે સવાલો ઉઠાવી રહી છે. થોડા સમય પહેલાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર પણ લોકપાલને લઈને નિશાન તાક્યું હતું.

You might also like