લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું 89 વર્ષની વયે નિધન

નવી દિલ્હી: ર૦૦૪થી ર૦૦૯ સુધી લોકસભાના સ્પીકર રહી ચૂકેલા સોમનાથ ચેટરજીનું કોલકાતામાં ૮૯ વર્ષની વયે આજે સવારે નિધન થયું છે. તેમને લાંબા સમયથી કિડનીની બીમારી હતી. તેમની તબિયત વધુ વણસતાં તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમનું ડાયાલિસિસ
ચાલી રહ્યું હતું ત્યારે જ તેમને માઈલ્ડ હાર્ટએટેક આવતાં તેેમને આઇસીસીયુમાં ખસેડાયા હતા.

સોમનાથ ચેટરજીએ સીપીએમ સાથે ૧૯૬૮માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને ર૦૦૮ સુધી તેેઓ સીપીએમ સાથે જોડાયેલા રહ્યા હતા. ૧૯૭૧માં તેઓ પ્રથમ વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યાર બાદ રાજનીતિમાં તેમણે પાછું વાળીને જોયું નહોતું. સોમનાથ ચેટરજી ૧૦ વખત લોકસભાના સાંસદ રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે તેમણે આપણા સંસદીય લોકતંત્રને વધુ મજબૂત કર્યું હતું. તેઓ ગરીબો અને વંચિત લોકોના એક બુલંદ અવાજ સમાન હતા. મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તમામ સાંસદો પક્ષના મતભેદો ભૂલીને તેમની પ્રશંસા કરતા હતા. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.

સોમનાથ ચેટરજી પર ગયા મહિને જ પેરાલિસિસનો એટેક આવ્યો હતો. છેલ્લા ૪૦ દિવસની ચેટરજીનો ઇલાજ ચાલી રહ્યો હતો. સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ ત્રણ દિવસ બાદ જ તેમની તબિયત લથડતાં તેઓને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

દસ વખત ચંૂટાયેલા લોકસભાના સાંસદ સોમનાથ ચેટરજી સીપીએમની કેન્દ્રીય સમિતિના સભ્ય રહ્યા હતા. તેઓ ર૦૦૪થી ર૦૦૯ સુધી તેઓ લોકસભાના અધ્યક્ષ પણ રહ્યા હતા, પરંતુ તેમની પાર્ટીએ યુપીએ-૧ સરકારને ટેકો પાછો ખેંચી લીધા બાદ તેમણે લોકસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાનો ઇનકાર કરતાં તેમની ર૦૦૮માં તેમની સીએમમાંથી હકાલપટ્ટી કરાઈ હતી.

વર્ષ ર૦૦૮માં ભારત-અમેરિકા અણુ સમજૂતીના વિધેયકના વિરોધમાં સીપીએમએ તત્કાલીન મનમોહન સરકારથી ટેકો પાછો ખેંચી લીધો ત્યારે સોમનાથ ચેટરજી લોકસભાના સ્પીકર હતા.

રાજકીય કારકિર્દીમાં ઉપરાછાપરી દસ વખત લોકસભાની ચૂંટણી જીતનાર સોમનાથ ચેટરજી પોતાના જીવનની એક ચૂંટણી પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યપ્રધાન મમતા બેનરજી સામે હારી ગયા હતા. ૧૯૮૪માં જાધવપુર બેઠક પર યોજાયેલ લોકસભા ચૂંટણીમાં મમતા બેનરજીએ સીપીએમના આ કદાવર નેતાને હાર આપી હતી.

You might also like